૨૯૪ની કુલ સંખ્યા ધરાવતા પશ્ચિમ બંગાળ વિધાનગૃહમાં દશ વર્ષ પહેલા જે પક્ષની માત્ર ૩ સીટ હતી આજે ૨૦૮ના પ્રચંડ જનાદેશ સાથે બંગાળમાં પોતાનું શાસન સ્થાપ્યું છે. આ ચૂંટણી મતદારયાદીની સઘન સુધારણા બાદ થઇ હતી અને એ સુધારણામાં લાખો બોગસ મતદારોના નામ કમી કરવામાં આવ્યા હતા. જેનો રાજકીય પક્ષોએ ખુબ વિરોધ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટ સુધી વિવાદ ખેંચી જવામાં આવ્યો હતો, પણ એકલ દોકલ બાદ કરતા કોઈ મતદારનો બહોળો વર્ગ નામ કમી બદલ વાંધો નોંધાવવા આગળ આવ્યો નહોતો. ચોક્ખી મતદાર યાદી અને હિંદુ રાષ્ટ્રવાદ આધારે લડાયેલી આ ચૂંટણીના પરિણામોએ આખા દેશને ચોંકાવી દીધો છે. ભારતીય જનતા પક્ષનું બંગાળમાં ક્યારેય શાસન રહ્યું નથી. આજથી દશ વર્ષ પહેલા આવી કલ્પના પણ કરી શકાતી નહોતી. ઝડપભેર બદલાતી જતી બંગાળની ડેમોગ્રાફીએ બંગાળીઓને ચોંકાવી દીધા હતા. ઘુસણખોરી રાજકીય ઓથ હેઠળ એટલી પ્રબળ બની ગઈ હતી કે મૂળ બંગાળીઓ પોતાનો હક ખોઈ બેસે એવી સ્થિતિ આવી ગઈ હતી. પ્રજા પોતાનું ધૂંધળું ભવિષ્ય ભાળી ગઈ અને સત્તા પરિવર્તન આણ્યું. આ જનાદેશના ગર્ભીતાર્થો થોડા ઊંડા જઈને તપાસવા જેવા છે.
બંગાળ એક સરહદી રાજ્ય છે જેની સરહદ બાંગ્લાદેશ જેવા દેશને અડકીને આવેલી છે અને ભૌગોલિક દ્રષ્ટીએ ઘણા વિસ્તારમાં દુર્ગમ છે. વર્ષોથી બાંગ્લાદેશની સરહદથી ઘુસપેઠ થઇ રહી હતી એ આખો દેશ જાણતો હતો. પહેલા વામપંથીઓ અને ત્યારબાદ તૃણમુલ કોંગ્રેસ આં ઘુસપેઠની હમદર્દ બનીને સત્તા ટકાવી ગઈ હતી. ઘુસણખોરી એ પ્રમાણમાં હતી અને બંગાળની મમતા સરકારનું વલણ કઈક એવું હતું કે હિન્દુસ્તાનના બીજા ભાગોમાં ચર્ચાઈ રહ્યું હતું કે થોડા સમય બાદ બંગાળમાં પ્રવેશ કરવા માટે હિન્દુસ્તાનના અન્ય પ્રાંત કે રાજ્યના નાગરિકોને વિઝા લેવા પડશે. એક માહિતી મુજબ દેશના લગભગ નવ સરહદી રાજ્યો અને સરહદને અડકેલા તમામ ૩૦૦ જિલ્લાઓની ડેમોગ્રાફી બદલાઈ ચુકી છે. હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડ જેવા રાજ્યોમાં દૂરદરાજ પહાડી વિસ્તારોમાં ધાર્મિક દબાણો ખડકાઈ રહ્યા છે. જનસંખ્યામાં ખુબ ઝડપથી વધારો, ઘુસપેઠ, ધર્માંતરણ, લવ જેહાદ, લેન્ડ જેહાદ, ડ્રગ જેહાદ જેવા આયોજિત પરિબળો અને ષડ્‌યંત્રો દ્વારા સરહદી વિસ્તારને ખુબ ઝડપથી કબજે કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. ચંદ રૂપિયાસિક્કા માટે ખોટા દસ્તાવેજી અને ઓળખ પુરાવાઓ ઉભા કરી આપતા દેશની અંદરના ગદ્દાર કર્મચારીઓ અને ચંદ વોટ માટે ઘુસણખોરોને કાયદેસર દેશના નાગરિક બનાવી આપતા પદાધિકારીઓ આ માટે મુખ્ય જવાબદાર છે. દેશના ગૃહમંત્રીએ આ સમસ્યાને ભારતની પ્રવર્તમાન સમસ્યાઓ માંહેની સૌથી ગંભીર ગણીને કાર્યવાહીનો સંદેશ આપ્યો છે. ગૃહમંત્રીના મિજાજ મુજબ આ મુદ્દો આર્ટીકલ ૩૭૦, ત્રિપલ તલાક, રામમંદિર, નકસલવાદ નિર્મુલન, ઝ્રછછ ના મોડ પર લેવામાં આવશે એવું લાગી રહ્યું છે. પણ આ મુદ્દો આગળના મુદ્દાઓ જેટલો સરળ નથી, થોડો જટિલ છે. લાંબો સમય માંગી લે એમ છે. કોઈ કાયદો સ્થાપિત કરવાની કે દૂર કરવાની પ્રક્રિયા માત્ર નથી. એટલે શરૂઆત અટકાવથી કરવી પડશે. રોગને વધવા ન દેવાથી પીડાનું સ્તર સ્થિર થઇ જાય છે, ત્યારબાદ ધીમેધીમે દવાથી લઈને શસ્ત્રક્રિયા જેવા ઉપચાર ચાલુ કરી શકાય છે. પહેલું ચરણ બોર્ડર સિક્યોરીટી ફોર્સનું કાર્યક્ષેત્ર સરહદથી ૧૫ કિમી અંદરના બદલે ૫૦ કિમી અંદર કરી દેવામાં આવ્યું છે, જેથી સરહદ પર જે ગેરકાયદે વસવાટો ખડકાઈ જાય છે એ અટકી જાય, સરહદ પારથી ઘુસાડવામાં આવતા ડ્રગનું કાર્ટેલ બ્રેક થઇ જાય, સરહદ પર સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ડ્રોન, રડાર, કેમેરા અને એઆઇની મદદથી એક અભેદ બોર્ડર ઉભી કરવાનો મનસૂબો સરકાર સેવી રહી છે. ઇઝરાયેલ મિસ્ર, ઇઝરાયેલ જોર્ડન, અમેરિકા મેક્સિકો, હંગેરી સર્બિયા, સાઉદીઅરબ યમન અને સાઉદીઅરબ ઈરાક, તુર્કી યુરોપ જેવી બોર્ડર આજના યુગની હકીકત અને જરૂરીયાત છે. આ બધા દેશોએ મોર્ડન ટેકનોલોજી સાથેની બોર્ડર ઉભી કરીને ઘુસણખોરી અને ડ્રગ કાર્ટેલ જેવી સમસ્યાઓથી મહદઅંશે છુટકારો મેળવ્યો છે.
વિશ્વના દેશોમાં રહેલી આર્થિક, ભૌગોલિક, વ્યવસ્થા અને સમાજજીવનની મોટી અસમાનતાઓને લઈને ઉપરના પરિમાણોમાં ખરાબ સ્થિતિમાં રહેલા દેશના નાગરિકો વૈધ અવૈધ તરીકાઓ અખત્યાર કરીને પોતાના દેશ કરતા બહેતર દેશમાં ઘુસી જવાનો પ્રયત્ન કરે છે. જેમ વિશ્વના ઘણા દેશોના નાગરિકોમાં અમેરિકા જેવા દેશમાં સ્થાયી થવાનું આકર્ષણ રહેલું છે, ગુજરાતીઓનો અમેરિકા પ્રત્યેનો મોહ જગજાહેર છે. તેમ બાંગ્લાદેશના નાગરિકોને ભારતનું આકર્ષણ હોય એમાં નવાઈ નથી. સવાલ એ દેશમાં જઈને એ દેશ સાથે તમારૂ યોગદાન અને અન્ય આયામો પર સહ્‌ભાગીદારીતાનો છે. ગુજરાતીઓ આજે અમેરિકાના આર્થિક વિકાસમાં સિંહફાળો આપી રહ્યા છે, રાજકીય અને બ્યુરોક્રેટીક ક્ષેત્રમાં આગળ પડતા સ્થાન લઈને અમેરિકાના સર્વાંગી વિકાસમાં યોગદાન આપી રહ્યા છે.
બાંગ્લાદેશી ઘુસણખોરો ભારતની આર્થિક સામાજિક અને રાજકીય ત્રણેય જમીન ખોદી રહ્યા છે. સરહદ પારની બધી બદીઓ ભારતમાં ઘુસી રહી છે. ખોટા પુરાવાઓ ઉભા કરીને રાશન લઇ જાય એ એટલો ગંભીર વિષય નથી, જેટલો ગંભીર વિષય એ ખોટા આધાર પુરાવાઓ સાથે વોટ કરી જાય છે, ખોટો પ્રતિનિધિ ચૂંટી જાય છે.
આજે અમેરિકા જેવો પ્રચૂર સંપન્ન દેશ પણ જો ગેરકાયદે ઘુસણખોરીથી ત્રસ્ત હોય અને ગેરકાયદે ઘુસણખોરોને બહાર ખદેડવા માટે કડક કાયદાઓ અને ઝુંબેશના શરણે હોય તો ભારતની વસ્તી તો ઓલરેડી એકસો ચાલીસ કરોડ જેવી છે. કુદરતી અને માનવસર્જિત સંશાધનો પર પહેલેથી જ ખુબ મોટું ભારણ રહેલું છે. એમાં વધારાના ઘુસણખોરોનું ભારણ ન આવે અને આવી ગયું હોય તો દૂર કરવાના સરકારના પગલાની દેશની જનતાએ સરાહના કરવી જોઈએ. આખરે આ દૂર થવાથી દેશની જનતાને જ કઈક મળવાનું છે. જે વસ્તુ, સહાય, યોજના, મદદ, સંશાધન એકસો પિસ્તાળીસ કરોડ વચ્ચે વહેચાઈ રહ્યું છે એ એકસો પાંત્રીસ કરોડ વચ્ચે વહેંચાશે તો ગુણાકાર ભાગાકારના સામાન્ય નિયમો પ્રમાણે પણ માથાદીઠ વધુ આવશે અને દેશની અંદર જે અશાંતિ અને બખેડાઓ ઉભા થાય છે તેમાં સ્વાભાવિક ઘટાડો આવશે.
ક્વિક નોટ – “….બંને પ્રજા અલગ છે, બંનેના ધર્મગ્રંથો, નાયકો, ગર્વકથાઓ, નાયકો જુદા છે. એકનો નાયક બીજાનો ખલનાયક છે, એકનો વિજય બીજાનો પરાજય છે. એક રાજ્ય વચ્ચે આ બંનેને જોડી દેવા ગલત છે…” – મહમદ અલી ઝીણા.
production@infiniumpharmachem.com