જૂની છાપાળવી ભાષામાં કહીએ તો, હજુ ‘નીટ-યુજી’ના ‘ગેસ પેપર’ પ્રસારના સમાચારની શાહી સૂકાઈ નહોતી ત્યાં સીબીએસઇની ઉત્તરવહીઓનો વિવાદ આવી ગયો ! સીબીએસઇનું પૂરું નામ સેન્ટ્રલ બાર્ડ આૅફ સેકન્ડરી ઍજ્યુકેશન. સરકારી અને ખાનગી શાળાઓ માટે રાષ્ટ્રીય સ્તરનું બાર્ડ.
વિગતે સમજીએ તો, દરેક રાજ્યનું પોતાનું મંડળ (બાર્ડ) તો હોય જ છે, પરંતુ જે વાલીઓને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થોડા-થોડા સમયાંતરે બદલીના કારણે જવાનું થાય તો દર વખતે નવેસરથી શાળા પ્રવેશ માટે વિધિ કરવી પડે. આ માટે સીબીએસઇ બાર્ડની શાળા પસંદ કરે તો આ માથાકૂટ ચાલી જાય. કેન્દ્રીય સંસ્થાઓના કર્મચારીઓ, સૈનિકો, અર્ધસૈનિકોના સંતાનો માટે સીબીએસઇ સરળ પડે. સીબીએસઇનું માપદંડ, રાજ્યના બાર્ડના માપદંડ કરતાં ઉચ્ચ મનાય છે, તેથી હવે, કેટલાક વાલીઓ બદલી ન થતી હોય અને એક જ રાજ્યમાં રહેવાનું થાય તો પણ પોતાના બાળકનો પ્રવેશ સીબીએસઇ માન્ય શાળામાં કરાવતા હોય છે.
પરંતુ હવે એ સીબીએસઇની પરીક્ષાનાં પરિણામોનો જ વિવાદ થઈ ગયો. વિવાદ કેવી રીતે થયો?
આ વર્ષે સીબીએસઇએ આૅન સ્ક્રીન ર્માકિંગ (ઓએસએમ)ની નવી સિસ્ટમ દાખલ કરી. સિસ્ટમનું ડિજિટાઇઝેશન થાય તેમાં કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ તેનો અખતરો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે તેમ ન હોવો જોઈએ. પહેલાં તેનું વ્યવસ્થિત પરીક્ષણ થયેલું હોવું જોઈએ. અહીં શું થયું? વળી, આ અખતરો ધો. ૧૨ના વિદ્યાર્થીઓ સાથે જ થયો જેમને આગળ કાલેજમાં ભણવા જવા માટે આ ધોરણના માર્ક કેટલા અગત્યના હોય છે તે બધા સમજી શકે છે.
ઓએસએમ હેઠળ ૯૮.૬૬ લાખ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓને ડિજિટલી સ્કેન કરવામાં આવી. તેને સાફ્ટવેર હેઠળ અપલાડ કરવામાં આવી. ભારતમાં કુલ ૭૦ હજાર પરીક્ષકો દ્વારા તેની આૅનલાઇન ચકાસણી કરીને ગુણ મૂકવામાં આવ્યા. પહેલી દૃષ્ટિએ લાગે કે વાહ, કેટલી સારી અને જડબેસલાક સિસ્ટમ. બધું ઝડપી-ઝડપી થઈ જાય, નહીં? ઝડપી તપાસાય જાય, આૅનલાઇન જ એ થાય, ગુણોનો સરવાળો થઈ જાય, પરિણામે માનવ ભૂલો થવાની શક્યતા ઓછી અને પારદર્શિતા પણ જળવાય.
પરંતુ લોચો ત્યાં જ થયો. બધું આૅનલાઇન તો થાય છે, પરંતુ ઘણી વાર આપણે જોઈએ છીએ કે ખાનગી વેબસાઇટો જેટલી ઝડપથી ખુલે છે તેટલી ઝડપથી સરકારી વેબસાઇટો ખુલતી નથી હોતી. વળી, વારે ઘડીએ કેપ્ચાની માથાકૂટ જેમાં ઘણી વાર અંગ્રેજી મૂળાક્ષર અને આંકડાઓને ડિઝાઇનની અંદર એવા છુપાવી દેવાયા હોય કે તે તરત ખબર ન પડે. વળી, ફાટાની સાઇઝમાં પણ માથાકૂટ થાય. ઘણી વાર થોડી જ વારમાં સેશન ઍક્સ્પાયર થઈ જાય. અમુક દિવસોની અંદર ફરજિયાત પાસવર્ડ બદલાવડાવે. ઘણી વાર સબમિટ કરતા પહેલાં ભૂલ બતાવે તો ખરું, પરંતુ કઈ ભૂલ છે, ક્યાં ભૂલ છે તે તરફ સંકેત ન કરે એટલે ખબર ન પડે કે ક્યાં આપણી ભૂલ થઈ રહી છે. આનું કારણ સરકારી ધોરણે બનતી વેબસાઇટ. સસ્તામાં અને પોતાની ઓળખીતી સંસ્થા પાસે બનાવડાવવાની. એટલે પછી ભલી વાર બહુ ન હોય.
સીબીએસઇની ઉત્તરવહી ચકાસણી વેબસાઇટમાં એવું થયું કે ૧૩ મેએ પરિણામો જાહેર થયાં પછી સાશિયલ મીડિયા પર અનેક વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી કે તેમને તેમની અપેક્ષા કરતાં ઓછા ગુણો – ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ), રસાયણ (કેમિસ્ટ્રી) અને ગણિતશાસ્ત્ર (મેથ્સ)માં મળ્યા છે. આવું થતું હોય છે. ઘણી વાર વિદ્યાર્થીઓ પોતાની રીતે માર્ક ધારી લે. દરેકને પોતે સાચા જ લાગે, પરંતુ દર વખતે તેવું હોય તે આવશ્યક નથી.
પરંતુ આ વખતે સારી બાબત એ થઈ કે સીબીએસઇએ એક સારો નિર્ણય કર્યો. સિસ્ટમમાં આવું થતું નથી હોતું. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તો કકળાટ કરે. પહેલેથી મહેનત બરાબર કરી હોત તો આવી ફરિયાદ કરવાનો વારો ન આવત, તેમ કહી સીબીએસઇ છટકી શકતું હતું, પરંતુ તેણે પુનર્વલોકન ફરિયાદ નિવારણ પદ્ધતિ (રિવાઇઝ્ડ ગ્રિવાન્સ મિકેનિઝમ) દાખલ કરી. એટલે વિદ્યાર્થીઓને પોતાની સ્કેન થયેલી ઉત્તરવહીમાં કેટલા માર્ક પરીક્ષક દ્વારા મૂકાયા છે તે જોવાની સુવિધા આપી. વિદ્યાર્થીઓ આ જોઈ લે અને પછી આવશ્યક લાગે તો પુનર્મૂલ્યાંકન માટે આવેદન (અરજી) કરી શકે.
પરંતુ અગાઉ કહ્યું તેમ, વેબસાઇટ સસ્તામાં અથવા બરાબર ખાતરી કરી ન બનાવાઈ હોય એટલે લોકોનો ધસારો થાય એટલે ક્રેશ થઈ જાય. ઉપર કહ્યું તેમ તમે ચુકવણી ન કરી શકો, સબમિટ કરવા જાવ ત્યાં આગળ વધે નહીં, એકથી વધુ વાર પૈસા કપાઈ જાય, આવું બધું થાય. સીબીએસઇના વિદ્યાર્થીઓને પણ આવો જ અનુભવ થયો. ફરી પાડ સીબીએસઇનો કે તેણે સ્વીકાર્યું કે કંઈક ટૅક્નિકલ ક્ષતિઓ છે તેથી આવું થઈ રહ્યું છે. તેણે પૈસા પાછા આપવાનું વચન આપ્યું. પણ અહીં વિદ્યાર્થીઓને સારી કાલેજમાં પ્રવેશ મેળવવાનું સ્વપ્ન હોય એટલે તેઓ આ વેબસાઇટ સતત જોતા રહ્યા. રિફ્રેશ કરતા રહ્યા.
આ સમસ્યાનો ઉકેલ લાવવા ફરી એક વખત સીબીએસઇએ એક સારો નિર્ણય કર્યો. તેણે અંતિમ અવધિ એક વાર નહીં, પણ ત્રણ-ત્રણ વાર વધારી. શિક્ષણ પ્રધાન- ધર્મેન્દ્ર પ્રધાને નિષ્ણાતોની ટીમ બનાવીને ભારતની ટોચની ટૅક્નાલાજી કાલેજોમાં મોકલી જેથી આ પ્રક્રિયામાં આવતી સમસ્યાઓ નિવારી શકાય.
આમ કરતાં-કરતાં ૨૬ મે આવી ગઈ. ૨૬ મે સુધીમાં પરીક્ષા આપનાર સત્તર લાખ વિદ્યાર્થીઓ પૈકી ચાર લાખ વિદ્યાર્થીઓએ સ્કેન કરાયેલી ઉત્તરવહી જોવા માટે આવેદન કર્યું. આ સંખ્યા આમ જુઓ તો બહુ મોટી નહોતી. ૨૪ ટકા જેવી હતી. પરંતુ સંખ્યા મોટી હોય કે નાની, એક પણ વિદ્યાર્થીને તકલીફ ન પડવી જોઈએ તેવો સિદ્ધાંત અમલી હોવો જોઈએ.
આમાં વિવાદ ત્યારે સર્જાયો જ્યારે ૨૩ મેએ વેદાંત શ્રીવાસ્તવે ધડાકો કર્યો કે તેના રોલ નંબર સામે મૂકાયેલી સ્કેન કરાયેલી ઉત્તરવહી તેની નથી !
આ બાબતે પણ સીબીએસઇએ સ્વીકાર્યું કે ભૂલ થઈ ગઈ અને તેણે સાચી ઉત્તરવહીની કાપી શૅર કરી. વેદાંતે લખ્યું કે “મેં આખું વર્ષ અભ્યાસ કર્યો. મારી ઊંઘ છોડી, મગજની શાંતિ છોડી, બહાર ફરવા જવાનું ટાળ્યું, આ પરીક્ષા માટે જેટલો ત્યાગ થઈ શકતો હતો તેટલો કર્યો. અને હવે મને ખબર જ નથી કે મારી ભૌતિકશાસ્ત્રની ખરી ઉત્તરવહી તપાસાઈ હશે કે કેમ. શું વિદ્યાર્થીઓ સાથે આવું થવું જોઈએ?”
પરંતુ વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો હતો. અનેક વિદ્યાર્થીઓએ ફરિયાદ કરવા લાગી. સીબીએસઇએ પ્રમાણિક રીતે ભૂલ સ્વીકારી તેનાથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બીજા પ્રશ્નો જેવા કે- પરીક્ષાનું પેપર બહુ કડક રીતે જોયું છે અથવા તો ખોટી તપાસ કરી છે તે થવાના બદલે એ થવા લાગ્યો કે અમારા દીકરા/દીકરીની ઉત્તરવહી તો સાચી છે ને? કે બદલાઈ ગઈ છે?
આવામાં એક બીજા વિદ્યાર્થીએ બીજો ધડાકો કર્યો. નિસર્ગ અધિકારીએ કહ્યું કે તેણે ફેબ્રુઆરીમાં આ વેબસાઇટ હૅક કરી હતી. તે પરીક્ષકોનાં ખાતાંમાં પહોંચવામાં સફળ થયો હતો. તે આ સિસ્ટમનો માસ્ટર પાસવર્ડ જાણવામાં સફળ થયો હતો. તેને વિદ્યાર્થીઓના રેકાર્ડમાં પણ પ્રવેશ મળ્યો હતો. ઉપરાંત ઉત્તરવહીઓ સુધી પણ તે પહોંચી ગયો હતો. નિસર્ગ અધિકારી પોતાને ‘નૈતિક હેકર’ ગણાવે છે. એટલે કે કોઈ ખોટા આશય સાથે જે હૅક ન કરે તેને નૈતિક અથવા એથિકલ હૅકર કહે છે.
નિસર્ગ અધિકારીએ આક્ષેપ કર્યો કે ‘આ રીતે તો કોઈ પણ હૅકર ઉત્તરવહીઓ બદલી શકે, માર્કમાં ફેરફાર કરી શકે, લોકોના ફાન નંબર અને ઇવન, બૅંકની વિગતો પણ મેળવી શકે.’
સીબીએસઇએ કહ્યું કે એ તો ટેસ્ટિંગ (પરીક્ષણ માટેની) સાઇટ હતી. તેમાં મૂકાયેલી વિગતો સાચી નહોતી. પરંતુ આટલું બધું થઈ ચૂક્યું હોય ત્યારે સીબીએસઇની વાત કોના ગળે ઉતરે?
ચિંતાજનક વાત એ છે કે નિસર્ગને અઘરા પાસવર્ડની ખબર પડી ગઈ હોય. દા. ત. કોઈ પાસવર્ડમાં પોતાનો જન્મદિન-મહિનો-વર્ષ રાખે તો તે સહેલો પાસવર્ડ કહેવાય, પરંતુ કોઈ ી*૩૭દ્ઘડેઙ્ઘp૨૬ એવો પાસવર્ડ રાખે તો કોઈ કલ્પના પણ ન કરી શકે. આમાં કોઈ પેટર્ન નથી. અંગ્રેજી મૂળાક્ષરમાં દ્ઘ પછી ા આવે છે. જો દ્ઘ પછી ા આવતો હોય તો પેટર્નની કલ્પના કરી શકાય છે. પરંતુ અહીં તો અઘરા પાસવર્ડ રાખવામાં આવ્યા તે પણ નિસર્ગે જાણી લીધા. હવે એક સારી બાબત એ થઈ કે ફાનમાં કે ઇ-મેઇલમાં વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) આવે છે. આ આૅટીપી એક જ વાર લાગુ થઈ શકે, તે પણ તમારા ફાન કે ઇ-મેઇલમાં આવ્યાની ગણતરીની પળોમાં જ.
નિસર્ગ ઓટીપીના ચક્રવ્યૂહને ભેદવામાં પણ સફળ થઈ ગયો ! નિસર્ગે એક ટીવી ચેનલને જણાવ્યા પ્રમાણે, માત્ર ૩૦ મિનિટમાં તે આ કામ કરી શક્યો હતો. જો માત્ર ૧૯ વર્ષનો છોકરડો જ આ રીતે હૅકિંગ કરી શકતો હોય તો બીજા મોટી વયના હૅકરો અને તેમાંય અત્યારે તો ભારત પર ચોતરફથી આક્રમણો થઈ રહ્યાં છે- પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, અમેરિકા તો તેના ચાર દેખીતા શત્રુ છે. ત્યાંની સરકારો હૅકરોને આ કામ સોંપી દે તો તેમના માટે કેટલું સરળ બને?
અને માત્ર સીબીએસઇ પરિણામોની જ વાત નથી, હવે અનેક સિસ્ટમ આૅનલાઇન થઈ ગઈ છે, આૅનલાઇન પેમેન્ટ, ડીબીટી, ફ્લાઇટ, રેલવે ટિકિટ, બસ ટિકિટ, પાસપાર્ટ, આરટીઓમાં લાયસન્સપઅનેક બાબતો. આ બધાની વેબસાઇટની સુરક્ષા જડબેસલાક કરવી જોઈએ. અને આ તો સામાન્ય લોકોની વાત થઈ, પરંતુ માનો કે સાંસદો સાથે આવું થયું તો? સરકાર સાથે આવું થયું તો? ડીઆરડીઓ કે સેના સાથે આવું થયું તો દેશની સુરક્ષા પર કેટલો મોટો આઘાત થાય?
આનો છેડો હૈદરાબાદ સ્થિત કાએમ્પ્ટ ઍજ્યુટૅક પ્રા. લિ. નામની કંપની તરફ નીકળ્યો. આ કંપનીએ સીબીએસઇના આૅનલાઇન ર્માકિંગનું પ્લેટફાર્મ પૂરું પાડ્યું હતું. એટલે કે આ સિસ્ટમ તેણે ગોઠવી હતી. આ કંપનીએ તેનું નામ બદલી નાખ્યું હતું. પરંતુ વિવાદ થયો એટલે લોકોએ તપાસ કરી તો તેનું જૂનું નામ ગ્લાબરેના ટૅક્નાલાજી પ્રા. લિ. હતું અને ૨૦૧૯માં તેલંગાણામાં ઇન્ટમિડિએટ બાર્ડના માર્ક અને મૂલ્યાંકન બાબતે ફરિયાદો થઈ ત્યારે તેની સામે આંગળી ચીંધાઈ હતી. તો સીબીએસઇનું કામ સોંપતી વખતે આ કેમ ધ્યાનમાં ન રખાયું?
ધો. ૧૨મા પછી જ્યારે ૯૮.૦૨ પર્સન્ટાઇલ આવ્યા હોય અને ૯૮.૦૩એ પ્રવેશ અટકી જતા હોય તેવી સ્થિતિ હોય ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓને કેટલી ચિંતા હશે તે સમજી શકાય. સંખ્યા ભલે પા ભાગની હોય, એક જ વિદ્યાર્થીની કેમ ન હોય, પરંતુ ભારતનું ભવિષ્ય ગણાતા કિશોરોના ભવિષ્ય બાબતે આવી સમસ્યા સર્જાય તે યોગ્ય નથી. નીટ-યુજીના ગેસ પેપર પ્રસાર અંગેનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં આ બીજા વિવાદે મોદી સરકારના શિક્ષણ કામકાજ બાબતે પ્રશ્નો ઊભા કર્યા છે.
ગત જાન્યુઆરીમાં યુજીસીની દલિતો, આદિવાસીઓ, ઓબીસી, મહિલાઓ અને દિવ્યાંગને સમાન તક આપવા બાબતે સમિતિ બનાવવાની જાહેરાત ભલે, કાંગ્રેસ નેતા દિગ્વિજયસિંહની અધ્યક્ષતાવાળી સંસદીય સમિતિએ કરી હોય, પરંતુ અજીત ભારતી સહિતના જમણેરીઓના નિશાન પર આવી ગયા હતા કારણકે ક્યાં સુધી પેલું રોદણું રોવાનું કે ‘સરકાર ઉનકી હૈ, પર સિસ્ટમ હમારી હૈ’. બાર વર્ષ પછી સરકાર તમારી હોય તો સિસ્ટમ પણ તમારી જ હોવી જોઈએ ને. દિગ્વિજયસિંહ જેવા હાડોહાડ વિરોધીને સંસદીય સમિતિના અધ્યક્ષ કેમ બનાવાયા? બનાવાયા તો બનાવાયા, પણ એ સમિતિ આવા નિયમો લાદી દે તો સમિતિમાં રવિશંકર પ્રસાદ (જે અગાઉ કાયદા પ્રધાન રહી ચૂક્યા હોય અને પોતે અધિવક્તા પણ હોય), પ્રવક્તા સંબિત પાત્રા સર્વોચ્ચ ન્યાયાલયનાં અધિવક્તા અને સાંસદ બાંસુરી સ્વરાજ, સહિત ભાજપના સોળ સભ્યો શું ત્યાં માખી મારતા હતા?
એટલે એ વિવાદમાં ધર્મેન્દ્ર પ્રધાન ઘેરાયેલા હતા ત્યાં નીટનો વિવાદ આવ્યો અને હવે સીબીએસઇનો. અત્યારે ઘણી વાર કાંગ્રેસ સરકારો પર જમણેરીઓ આક્ષેપ કરતા હોય છે કે કાંગ્રેસ સરકારોમાં શિક્ષણ ખાતું (તેને માનવ સંસાધન ખાતું કેમ કહે છે તે સમજાતું નથી) ડાબેરી અને મુસ્લિમ પાસે જ રહ્યું. પરંતુ મોદી સરકારમાં પણ અખતરાઓ જ થયા. પહેલાં સ્મૃતિ ઈરાની રહ્યા. તેમના સમયે રોહિત વેમૂલાનો ખોટો વિવાદ ઊભો કરાયો. જેએનયૂનો પણ થયો. તેમને માત્ર બે જ વર્ષમાં બદલી પ્રકાશ જાવડેકરને બનાવવામાં આવ્યા. તેઓ લગભગ ત્રણ વર્ષ રહ્યા. તે પછી રમેશ પોખરિયાલ ‘નિશંક’ને બે વર્ષ માટે બનાવવામાં આવ્યા. ૨૦૨૧થી ધર્મેન્દ્ર પ્રધાન જ છે. ૨૦૨૪માં નવી સરકાર આવ્યા પછી પણ તેઓ જ રહ્યા છે. તેમનો ૨૦૨૬ સુધીનો કાર્યકાળ બિનવિવાદિત રહ્યો છે, પરંતુ જાન્યુઆરીથી તેમની માઠી બેઠી છે.
જેટલી અગત્યની વિદેશ નીતિ અને નક્સલીઓ, ત્રાસવાદીઓ સામેની નીતિ છે, તેટલી જ અગત્યની બાબત ભારતના શિક્ષણની પણ છે. આ વાત મોદી સરકારે સમજવી પડશે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે પરીક્ષા પે ચર્ચાની સાથે વડા પ્રધાને શિક્ષણવિદો સાથે શિક્ષણ પે ચર્ચા પણ દર વર્ષે કરવી જોઈએ.
jaywant.pandya@gmail.com











































