રાખનાં રમકડાં
‘મને તો એમ થાય છે કે, રાતના ભાભી પાસે સુતા સુતા પણ તૂંં તો જ્યોતિ… જ્યોતિ એમ મનમાં મનમાં લવારા કરતો હોઈશ, સાચું ને…? ‘‘ રણમલે પૂછ્યું.
’’સાવ સાચું તેં કહ્યું. ખરે જ પથારીમાં પડતાંની સાથે મને જ્યોતિની યાદ અચૂક આવે જ. મારાથી જ્યોતિ ભુલાતી જ નથી, હું શું કરું…?‘‘ દામાએ સાવ સાચું કહ્યું.
’’હવે આ બધું, આવા આડા સંબંધોને સદંતર ભૂલી જવામાં જ સાચી મજા છે…, દોસ્ત ! ભૂતની જેમ કોઈ ચૂડેલને આખી જિંદગી વળગી રહેવું સારું નહીં, આ પાપ ગણાય… સમજ્યો ? અને લગ્ન થઈ ગયાં પછી તો આવું બધું સારું પણ ન લાગે… રણમલે ઉપદેશની ભાષા વાપરી અંગત મિત્રને કહ્યું.
‘‘અરે…! તું ઊઠીને મને આવું કહે છે…? મારા પવિત્ર પ્રેમને તું ચૂડેલ કહે છે…? જો રણમલ, હું બધું એ સમજું છું, પરંતુ જ્યોતિને ભૂલી જવી એ મારા માટે સાચે જ અશક્ય છે. તને પણ ખબર હશે જ, શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે, પ્રથમવાર થયેલા પ્રેમને કોઈપણ વ્યક્તિ મૃત્યુ સુધી ભૂલી શકતું નથી. કારણ કે દિલમાંથી પ્રકટેલો પ્રેમ અમર જ હોય છે ને પવિત્ર પણ…’’ દામાએ દલીલ કરતાં કહ્યું.
‘‘આને તું પ્રેમ કહે છે ? આ તારો અમરપ્રેમ કેવો ? પહેલાં તો એ જો… તારી પ્રેયસી તો પરણેલી હતી. હા… તારી જ્યોતિ પરિણીત હતી. એ થોડી કોઈ કુંવારી કે નાદાન છોકરી હતી…? કુંવારી હોય તો હજી પણ સમજી શકાય, પરંતુ તેણે તો કપટ કરી તને મોહમાં ફસાવ્યો. પ્રેમનું નાટક ભજવીને તેણે તને ચારે તરફથી ઘેરી-બાંધી લીધો. ને તું ભોળો ને નાદાન એટલે આવી પરણેલી સ્ત્રીને હૃદયથી સાચૂકલો પ્રેમ કરવા લાગ્યો. શું… એ તને પ્રેમ કરતી હતી ? જો જ્યોતિ તને સાચો પ્રેમ કરતી હોત તો અત્યારે અહીં તારી પાસે હોય. ત્યાં આગળ વિસાવદરમાં ન હોય, સમજ્યો ?’’ રણમલ ઊંચા અવાજે બોલ્યો.
‘‘એ તો જ્યોતિની મજબૂરી હતી. આ ઉપરાંત તેની સાથે જોડાયેલી બીજી એક જિંદગીને બચાવવા માટે તેને આવું બધું કરવું પડ્‌યું. બાકી તે તો મને દિલથી પ્રેમ કરતી હતી અને આજે પણ તે જ્યાં હશે ત્યાં મને પ્રેમ કરતી જ હશે, કારણ કે અમારો પ્રેમ ખરેખર હૃદયનો પ્રેમ, આત્માનો પ્રેમ છે…!’’ દામા બોલ્યો.
‘‘એવે જા જા…, પ્રેમ પ્રેમ પ્રેમ બસ એવો બકવાસ શું કરે છે ? તને ખબર છે…? સાચા પ્રેમમાં તો બંને મરે ત્યાં સુધી એકબીજાનો સાથ નિભાવે, સાથે સાથે રહે ને સાથે સાથે મરે… એને સાચો પ્રેમ કહેવાય…! પરંતુ એ જ્યોતિને તો તારી પાસેથી જે જોઈતું હતું, જે મેળવવું હતું તે બધું પ્રેમના નામે કપટ કરી મેળવી લીધું. તેના પેટમાં નાનું છોકરું આવ્યું એટલે તારી સાથેની પ્રેમની રમત રમવી તેણે બંધ કરી દીધી, આવું થોડું ચાલે…?’’ રણમલ થોડા ગુસ્સા સાથે બોલ્યો.
‘‘એ મારી સાથે પ્રેમની રમત ક્યારેય નથી રમી, ખુલ્લા દિલે તેણે મારી સાથે બધી જ હકીકત કહી છે… સમજ્યો ? મારી જ્યોતિ તો દિલની સાવ ચોખ્ખી છે, નિખાલસની સાથે અતિ ઋજુ છે.’’ છેવટે દામાએ આટલું બોલ્યું. પરંતુ ત્યાં તો રણમલ ખીજમાં બોલવા લાગ્યો:
‘ધ્હું તારી આવી એકેય વાત માનતો નથી. કોઈપણ પરણેલી સ્ત્રી તેના પતિની હયાતીમાં બીજા કોઈ અપરિણિત છોકરા કે પારકા પુરુષ સાથે સામે ચાલીને તેની પથારી ગરમ ન કરે, સહશયન ન કરે. તો જ્યોતિએ તો તારી સાથે, તારા શરીર સાથે આવા હલકાં કામ કર્યાં છે. મને તો લાગે છે કે એટલે જ તો આજે તેની હાલત ખૂબ ખરાબ છે. તને ખબર છે ? કરેલાં કર્મો તો અહીં જ ભોગવવા પડે છે. બધું જ આ જન્મમાં ભોગવવું પડે છે. હા, તારી જિંદગી ચૂંથી નાખી સાવ ધમરોળ કરી દીધી હોય તો એ વ્યક્તિ માત્ર ને માત્ર જ્યોતિ છે. આ જ્યોતિએ જ તને ડાપુરૂષ બનાવી દીધો છે. માત્ર એના લીધે જ તું શાંતુ ભાભીને જોઈએ તેવો સંતોષ અને બહુમાન આપતો નથી, શાંતુ ભાભીનો આમાં એક ટકા પણ વાંક કે ગૂનો મને તો દેખાતો જ નહીં. જે છે તે તું જ માત્ર જવાબદાર વ્યક્તિ છે. ત્યારે… તું તો હજી પણ જ્યોતિ… જ્યોતિ… જ્યોતિના જાપ કર્યા કરે છે.’’ ઘણું બોલીને રણમલ અટક્યો એટલે આવા શબ્દો સહન ન થતાં દામાએ કહ્યું ઃ
‘‘રણમલ… તું મારો મિત્ર છે એટલે તને પ્રેમથી કહું છું કે તું આમ જ્યોતિ વિશે હવે આવું આડું-અવળું બોલવાનું રહેવા દે… પ્લીઝ ! મારા પ્રથમ પ્રેમ વિશે તારા આવા શબ્દો મને કાંટાની જેમ ખૂંચે છે. હું હવે વધારે સહન નહીં કરી શકું. મારી જ્યોતિ તું ધારે છે એવી તો નથી જ નથી, દોસ્ત…!’’
(ક્રમશઃ)