અજમાને પાચનનું એક ઉત્તમ ઔષધ માનવામાં આવે છે. અજમાને સંસ્કૃતમાં ‘યવાની’ હિન્દીમાં ‘અજવાઈન’ અંગ્રેજીમાં ‘Kings Cumin’ અને લેટીન ભાષામાં “TRAchyspermumamami” કહેવામાં આવે છે.

અજમો ભારતમાં સર્વત્ર ખાસ કરીને પંજાબ, બંગાળ, ગુજરાત, દક્ષિણભારત વગેરે મોટા ભાગના રાજ્યોમાં ઉત્પન્ન થાય છે. વિદેશોમાં જોઈએતો મીસર,ઈરાન,અફઘાનિસ્તાન અને આફ્રિકામાં પણ અજમો ઉત્પન્ન થાય છે.

અજમો ભારતમાં સર્વત્ર ખાસ કરીને પંજાબ, બંગાળ, ગુજરાત, દક્ષિણભારત વગેરે મોટાભાગના રાજ્યોમાં ઉત્પન્ન થાય છે. વિદેશોમાં જોઈએતો મીસર, ઈરાન, અફઘાનિસ્તાન અને આફ્રિકામાં પણ અજમો ઉત્પન્ન થાય છે.

અજમો પ્રાય: ધાણાની સાથે  કારતક માગશરમાં વવાય છે અને ચૈત્ર માસમાં કાપી લેવાય છે. તેના છોડ એક થી દોઢ હાથ ઉંચા થાય છે. ઘરના કુંડામાં કે આંગણામાં પણતે થઈ શકે છે. પાન નાના નાના જરા જાડા લીલા રંગના તુલસીના પાન સ્વાદમાં જરા તીખા તીક્ષણ હોય છે. ડાળી પર સફેદ ફુલના છતર થાય છે. તે છતર પાકીને સુકાય ત્યારે તેને કુટીને તેમાંથી અજમાના સૂક્ષ્મ દાણા બહાર કાઢી લેવાય છે. અજમાના ફુલના સત્વને ‘થાયમોલ’ કહે છે. ઔષધમાં અજમાના બી વપરાય છે.

અજમાના ગુણધર્મ જોઈએતો સ્વાદે તીખો, કડવો, રૂચિકર, ગુણમાં ગરમ – હળવો જઠરાગ્નિ વર્ધક, પાચક, પિતકર્તા, હદય માટે હિતકર, જાડો પેશાબ લાવનાર, વીર્ય વર્ધક, વીર્ય દોષનાશક તથા વાયુ –કફના દર્દો, હરસ,શૂળ, પેટનાં દર્દો, આફરો, ઉલટી, બરોળ, કરમિયા, કોઢ, હેડકી દાંતની પીડા નો નાશ કરે છે તે શીળસ મટાડનાર તથા ધાવણ અને પરસેવો લાવે છે.

અજમાના ઔષધ પ્રયોગો વિષે જોઈએતો પેટમાં દુખાવો કે ગેસ થયો હોયતો 3 થી 5 ગ્રામ અજમો કે તેનું ચૂર્ણ જરા હુંફાળા પાણી સાથે પી જવું અથવા અજમો હીમેજ અને સંચળની ફાકી લેવી. શરદીમાં અજમાને મીઠું અને હળદર ચડાવી જમ્યા પછી મુખવાસ તરીકે લઈ શકાય. પેટમાં કૃમિ થયા હોયતો અજમો, વાવડીંગનું ચૂર્ણ તથા સંચળ ત્રણે મીકસ કરીને તેની ફાકી બનાવી લેવાથી કૃમિ મટે છે.

બહુમુત્રની તકલીફમાં અજમા અને ગોળની ગોળી બનાવી દર બે થી ત્રણ કલાકે લેવાથી રાહત થાય છે. સ્રીઓને અલ્પપીડા સાથે માસિક આવતું હોયતો અજમાનું ચૂર્ણ ત્રણ ગ્રામ અને દિવેલમાં તળેલી હીમેજનું ચૂર્ણ ત્રણ ગ્રામ મીક્સ કરી દરરોજ સવાર સાંજ લેવાથી માસિક ની પીડા દુર થાય છે.

અજમાના બીજા પ્રકારો પણ છે. જેવાકે, 1) અજમો (ખુરાસાની), 2) અજમો (કિરમાણી), 3) બોડી અજમો

ખુરાસાની અજમાનું ઉત્પતિ સ્થાન ખુરાસન – બલુચિસ્તાન ,ઈરાન, મિસર, સાઈબેરીયા તથા ઉતર પશ્ચિમિ પ્રદેશો, પોર્ટુગલ , યુનાન, નોર્વે, ફિનલેન્ડ, બ્રાઝિલ, ઉતર અમેરિકામાં  ખૂબ થાય છે. ભારતમાં કાંગડા કુલ્લુ, ગઢવાલ, સિમલા, કાશ્મીર થી કુમારની પહાડીઓ સરહાનપુર, કલકતા, આગ્રા, અજમેર ,પુના વગેરેના સરકારી વનસ્પતિ ઉદ્યાનોમાં તથા ખેતરોમાં વવાય છે.

ખુરાસાની અજમો સ્વાદે કડવો- તીખો, ગુણમાં – ગરમ, તીક્ષણ, લુખો, પાચક, રૂચિકારક, ઝાડો રોકનાર, માદક, ભારે, જઠરાગ્નિ વર્ધક, વીર્ય વર્ધક, વાતકર્તા અને આંત્ર સંકોચક છે. ખુરાસાની અજમો ત્રિદોષ (સન્નિયાત), અજીર્ણ, પેટના કૃમિ, આમશૂળ (મરડો), કાનની જડતા, કંઠ જંકડાટ, ચિતની ચંચળતા, રક્તસ્ત્રાવ અને સર્વ પીડાશામક છે. હિસ્ટીરીયા અને માનસિક રોગમાં ખાસ લાભપ્રદ છે. ટીબીની ખાંસી સાથે શ્વાસનો અવરોધ હોયતો આ ખુરાસાની અજમાની ધુમાડી રોજ લેવાથી ખાંસી અને શ્વાસના અવરોધમાં રાહત થાય છે.

અજમો કીરમાણી – આ અજમો  ઈરાન, અરબસ્તાન, અફધાનિસ્તાનમાંથી ભારતમાં આયાત થાય છે. ભારતમાં કાશ્મીરથી લઈને કુમાઉના જંગલોમાં તે વધુ જોવા મળે છે. જેના મોટા ભાગના ગુણધર્મો ખુરાસાની અજમા જેવાજ હોય છે.

અજમો (બોડી અજમો) – આ ખાસ કરીને હિમાલયની તળેટી પંજાબની ટેકરીઓ તથા બંગાળમાં થાય છે. બોડી અજમોના મુખ્ય ઔષધ પ્રયોગ જોઈએતો ટાઈફોઈડમાં બોડી અજમાનું ચૂર્ણ 1 ગ્રામ જેટલું લઈ તેને મધ સાથે સવાર સાંજ ચાટવાથી ટાઈફોઈડમાં રાહત થાય છે.

આમ, અજમોએ કુદરત દ્વારા આપેલ માનવજાતિ માટે શ્રેષ્ઠ વરદાન છે.