ભાવનગર એસઓજી પોલીસ દ્વારા વારંવાર માદક પદાર્થો અને કેફી પીણાનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે, ત્યારે ફરી એક વખત શહેરમાંથી એસઓજીની ટીમે પ્રતિબંધિત નશાકારક સિરપનો મસ મોટો જથ્થો હાથ લાગ્યો છે.
ભાવનગર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના પગલે નારી ચોકડી વિસ્તારમાં નશાકારક પ્રતિબંધિત સિરપનું વેચાણ થતું હોવાનું જાણવા મળ્યું અને જેને લઈને પોલીસે રેકી હતી. પોલીસે નારી ચોકડી પાસે આવેલા રોયલ ઓટો ગેરેજમાં રેકી કરી હતી. જેથી રેકી દરમિયાન પોલીસને ત્યાંથી મોટો જથ્થો નશાકારક પ્રતિબંધિત સિરપનો મળી આવ્યો હતો. સાથે જ પોલીસે બે શખ્સોને ઝડપીને તેમના વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર એસઓજી પોલીસે નારી ચોકડી ખાતે ગેરેજ ધરાવતા અફઝલ રજાકભાઈ ખોરજીયા અને મોહમ્મદ ફારુક રફીકભાઈ મોમીનના કબ્જામાંથી ૫૯૨ જેટલી કોડેઇન ફોસ્ફેટ તત્વ ધરાવતી સીરપનો જથ્થો ઝડપી લીધો હતો. જેની કુલ કિંમત ૧,૦૧,૬૮૦ થવા જાય છે. બંને પકડાયેલા શખ્સો ભાવનગરના મોમીનવાડના રહેવાસી છે. પોલીસે કુલ ૫૯,૨૦૦ એમએલ સિરપનો જથ્થો ઝડપી લીધો છે, અને આગળની કાર્યવાહી વરતેજ પોલીસ સ્ટેશનને સોંપી છે.