શહેરના એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર બનેલા બહુચર્ચિત અકસ્માત કેસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. અકસ્માત સર્જનાર તથ્ય પટેલને નિયમિત જામીન મળ્યા છે. તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે. આ કેસમાં તથ્યને ૨ વર્ષ ૧૦ મહિના બાદ જામીન મળ્યા છે. હાલ ટ્રાયલ કોર્ટમાં સાક્ષી તપાસવાની પ્રકિયા ચાલી રહી છે.
૨૦ જુલાઈ ૨૦૨૩ની અડધી રાત્રે અમદાવાદના એસ.જી. હાઇવે પરના ઇસ્કોન બ્રિજ પર એક જીપ ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેનો અવાજ સાંભળતા ઘટનાસ્થળે ૨૫-૩૦ લોકોની ભીડ એકઠી થઈ હતી. પોલીસ સહિત તમામ લોકો એ સમજવાનો પ્રયત્ન જ કરી રહ્યા હતા કે આ અકસ્માત કઈ રીતે સર્જાયો છે, એટલીવારમાં ૧૪૨ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે જગુઆર કાર ચલાવી તથ્ય પટેલે આ ભીડને ટક્કર મારી હતી. જેમાં ૯ લોકોનો ઘટના સ્થળ પર જ મોત થયા હતા. ઘટના બાદ તથ્યની કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું.









































