ગુજરાતમાં એકતરફ કાળઝાળ ગરમી લોકોને તોબા પોકારાવી રહી છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં આગામી બે દિવસ બાદ વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્્યતા છે. ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલાં જ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે ધોધમાર વરસાદના એનધાણ વર્તાઈ હવામાન વિભાગની આગાહી મુજબ, ૩૦ મેથી ૧ જૂન દરમિયાન ગુજરાતના વિવિધ નવ જિલ્લાઓમાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાવાની અને વીજળીના ગડગડાટ સાથે ગાજવીજ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ૩૦મી મેથી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થવાની શક્યતા હોવાથી લોકોને ગરમીથી થોડી રાહત મળશે અને તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો નોંધાશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં બે મુખ્ય સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે વરસાદી માહોલ સર્જાશે. પૂર્વથી પશ્ચિમ પાકિસ્તાન અને ઉત્તર-પૂર્વ અરબ સાગર સુધી ૧.૫ કિમીની ઊંચાઈએ એક ટ્રફ સર્જાયેલો છે. ૨૮ મે આસપાસ ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે, જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશમાં આગળ વધવા માટે પરિસ્થિતિ એકદમ સાનુકૂળ બની રહી છે. હવામાન વિભાગના અંદાજ પ્રમાણે, આગામી ૨ થી ૩ દિવસમાં ચોમાસું અરબ સાગરના વધુ વિસ્તારો, માલદીવ, કોમોરિન વિસ્તાર તેમજ બંગાળની ખાડીના બાકીના ભાગોમાં ઝડપથી આગળ વધશે. જોકે, આ પ્રી-મોન્સૂન એક્ટિવિટી બાદ આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં કોઈ ભારે ચોમાસાની સત્તાવાર આગાહી નથી.
વરસાદી માહોલ જામતા પહેલાં હાલ રાજ્યભરમાં આકરી ગરમીનો પ્રકોપ યથાવત્ છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને સુરેન્દ્રનગર સહિતના અગ્રણી શહેરોમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી અકળામણ અને બફારો અસહ્ય બન્યો છે.
હવામાન વિભાગના મતે આગામી ૩ દિવસ સુધી ગરમીના પારામાં કોઈ ખાસ રાહત મળવાની શક્યતા નથી, જેથી નાગરિકોને બપોરના સમયે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. બે દિવસ બાદ આવનારો આ વરસાદ ભલે પ્રી-મોન્સૂન નવરાશ લાવે, પરંતુ શરૂઆતના કડાકા-ભડાકા અને પવન સામે ખેડૂતો અને સામાન્ય જનતાએ સતર્ક રહેવું જરૂરી બનશે.










































