અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના રિક્ષા મુસાફરો માટે ખિસ્સા હળવા કરનારા મોટા સમાચાર સામે આવ્યા છે. સીએનજી ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારા અને સરકારના ઉદાસીન વલણથી કંટાળીને રિક્ષાચાલક એસોસિએશને જાતે જ રિક્ષા ભાડામાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે. હવેથી પ્રથમ ૧૨૦૦ મીટર એટલે કે મિનિમમ ભાડા માટે પેસેન્જરોએ રૂ. ૨૦ ના બદલે રૂ. ૧૦ ના વધારા સાથે સીધા રૂ. ૩૦ ચૂકવવા પડશે. આ સિવાય, મિનિમમ અંતર પત્યા પછી પ્રતિ કિલોમીટરના રૂ. ૧૫ ના બદલે રૂ. ૫ નો વધારો કરીને નવો દર રૂ. ૨૦ નક્કી કરવામાં આવ્યો છે.
રિક્ષાચાલકોના ભાડાની સમીક્ષા કરવા માટે ટ્રાન્સપોર્ટ કમિશનરના વડપણ હેઠળ ‘રેટ રિવ્યૂ કમિટી’ ની રચના કરાયેલી છે. આ કમિટીએ છેલ્લે વર્ષ ૨૦૨૨ માં બેઠક કરી હતી. નિયમ મુજબ દર વર્ષે બેઠક યોજાવી જાઈતી હતી, પરંતુ સીએનજીના ભાવ સતત વધવા છતાં સરકારે સત્તાવાર ભાડું વધાર્યું નથી. એસોસિએશનના પ્રતિનિધિ રાજ શિર્કે જણાવ્યું કે, “જૂના ભાડામાં ઘર ચલાવવું કે રિક્ષાનું મેઇન્ટેનન્સ કાઢવું અશક્્ય બનતા, નાછૂટકે અમારે આ નિર્ણય લેવો પડ્યો છે.” બીજી તરફ, વાહન વ્યવહાર કમિશનર ડા. રાજેન્દ્રકુમારે જણાવ્યું કે તેઓ ૧૦ દિવસની રજા પર હોવાથી આ મામલે કંઈ કહી શકશે નહીં.
રિક્ષાના અંતર મુજબ જૂના અને નવા ભાડાની યાદી
કિલોમીટર (કિમી) જૂનો દર (?) નવો દર (?)
૧.૨ થી ઓછું ૨૦ ૩૦
૧.૨ થી ૨ ૩૫ ૫૦
૨ થી ૩ ૫૦ ૭૦
૩ થી ૪ ૬૫ ૯૦
૪ થી ૫ ૮૦ ૧૧૦
૫ થી ૬ ૯૫ ૧૩૦
રિક્ષાના આ મનસ્વી ભાડા વધારા વચ્ચે અમદાવાદના સામાન્ય મુસાફરો માટે સરકારી પરિવહન સેવાઓ હજુ પણ ઘણી સસ્તી અને રાહતદાયક સાબિત થઈ રહી છે એએમટીએસ બસ સર્વિસઃ માત્ર રૂ. ૪૫ ની ટિકિટ લઈને મુસાફરો સવારે ૬ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી આખો દિવસ ગમે ત્યાં મુસાફરી કરી શકે છે. આ સિવાય ૧૨ વર્ષ સુધીના બાળકો માટે રૂ. ૧૦ અને મહિલાઓ માટે રૂ. ૨૦ નું આખો દિવસનું ભાડું નક્કી છે.
બીઆરટીએસ બસ સર્વિસઃ ૦ થી ૩ કિમી સુધીનું મિનિમમ ભાડું માત્ર રૂ. ૫ છે. અમદાવાદ મેટ્રો ટ્રેનઃ મેટ્રોમાં ૧૮ કિમી સુધીની લાંબી મુસાફરી માટે મહત્તમ ભાડું માત્ર રૂ. ૨૫ લેવાય છે, જેનું ભાડું નીચે મુજબ છેઃ
મેટ્રો કિલોમીટર (કિમી) ભાડું (?)
૦ થી ૨.૫ ૫
૨.૫ થી ૬.૫ ૧૦
૬.૫ થી ૧૦ ૧૫
૧૦ થી ૧૮ ૨૦
૧૮ કિમીથી વધુ ૨૫










































