રાજુલામાં સૂર્ય શક્તિ કિસાન યોજના અંતર્ગત કાર્યરત માંડરડી સ્કાય ફીડરમાં ખેડૂતો ટેકનિકલ ખામીઓથી પરેશાન છે. મુખ્ય સ્વીચ, ઈન્વર્ટર અને મીટર બદલવાની સમસ્યાઓ વચ્ચે સોલાર પેનલો તૂટવાના બનાવો વધ્યા છે. ઓનલાઇન અરજી સિસ્ટમ બંધ હોવાથી ફરિયાદો નોંધાતી નથી અને કંપની સામે દંડનીય પગલાં પણ લેવાયા નથી. સ્થાનિક સર્વિસ સ્ટેશનના અભાવે સમારકામ અટકતાં ખેડૂતોનું વીજ જનરેશન ચાર-પાંચ મહિના સુધી બંધ રહે છે, જેથી લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડે છે. વારંવારની રજૂઆતો છતાં ઉકેલ ન આવતા, રાજુલા માર્કેટ યાર્ડના ચેરમેન રાજેશભાઈ પરસાણાએ ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાને લેખિત રજૂઆત કરી ટેકનિકલ સમસ્યાઓનું વહેલી તકે સ્થાયી નિરાકરણ લાવવા અને બંધ સાધનો તાત્કાલિક રીપેર કરાવવા મક્કમ માંગ કરી છે.









































