ગોંડલમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના કાર્યકરોએ રાજકોટથી ભૂલા પડીને આવેલા ૮૦ વર્ષીય વૃદ્ધ અમરસિંહભાઈ ત્રિકમભાઈ ચાવડાનું ગણતરીના કલાકોમાં તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી સારવાર લઈ ઘરે જવાના બદલે ભૂલથી ગોંડલ પહોંચેલા વૃદ્ધ જેતપુર રોડ પર ફૂટપાથ પરથી મળી આવ્યા હતા. એક જાગૃત નાગરિકે ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડનો સંપર્ક કર્યો હતો. ટ્રસ્ટની ટીમે વૃધ્ધને હોસ્પિટલ લાવી જમાડ્યા હતા. ત્યારબાદ દિનેશભાઈએ રાજકોટની થોરાળા પોલીસ ચોકીનો સંપર્ક કરી વૃધ્ધનો ફોટો મોકલતા, પોલીસે તત્પરતા દાખવી ગણતરીની મિનિટોમાં જ તેમના પરિવારને શોધી કાઢ્યો હતો. પિતા સહીસલામત મળતા દીકરા નરેન્દ્રભાઈએ રાહતનો શ્વાસ લીધો હતો અને ટીમ તેમજ પોલીસનો આભાર માન્યો હતો.









































