દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી એક માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીંના ભીમનગર ગરનાળા પાસે ૬ થી ૭ દિવસના એક નવજાત ભ્રૂણને સળગાવેલી હાલતમાં ફેંકી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જાકે, આ અત્યંત સંવેદનશીલ અને ક્રૂર મામલામાં ઉધના પોલીસે સરાહનીય અને પ્રશંસનીય ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ મુખ્ય મહિલા આરોપીને દબોચી લીધી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મહારાષ્ટÙની ૧૯ વર્ષીય યુવતીની ધરપકડ કરી છે, જેણે પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
પોલીસની કડક પૂછપરછ દરમિયાન પકડાયેલી ૧૯ વર્ષીય યુવતીએ પોતે જ આ કૃત્ય આચર્યું હોવાની કબૂલાત કરી છે. યુવતી મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાહદાની વતની છે. શાહદા ખાતે જ રહેતા ઈશ્વર નામના યુવક સાથે તેને પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધ દરમિયાન યુવતી ગર્ભવતી બની ગઈ હતી. સમાજમાં બદનામીના ડરથી અને પાપ છુપાવવા માટે પ્રેમી ઈશ્વરે જ તેને ગર્ભપાત કરાવવા માટેની દવાઓ લાવી આપી હતી.
ગેરકાયદેસર રીતે દવાની મદદથી ગર્ભપાત કરાવવા માટે આ યુવતી મહારાષ્ટ્રથી ખાસ સુરત ખાતે રહેતા પોતાના એક સંબંધીના ઘરે આવી પહોંચી હતી. સુરતમાં તેણે દવાઓ ગળીને ગેરકાયદેસર ગર્ભપાત કર્યો હતો. ત્યારબાદ પાપ અને કાયદાકીય પુરાવાનો નાશ કરવાના બદઈરાદે તેણે ૬ થી ૭ દિવસના આ નવજાત ભ્રૂણને નિર્મમતાપૂર્વક સળગાવી દીધું હતું અને મોડી રાત્રે ભીમનગર ગરનાળા પાસે ફેંકીને ફરાર થઈ ગઈ હતી. સળગેલી હાલતમાં ભ્રૂણ મળતા સ્થાનીય લોકોમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને જાતા ઉધના પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક એક્શનમાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના તમામ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ઝીણવટભરી રીતે ફંફોળવાનું શરૂ કર્યું હતું. સીસીટીવીની કડીઓ જાડતા જાડતા પોલીસ આખરે મહારાષ્ટ્રની આ યુવતી સુધી પહોંચવામાં સફળ રહી હતી.
ઉધના પોલીસે હાલ આ પાપી માતાની સત્તાવાર ધરપકડ કરી લીધી છે અને તેની સામે કાયદેસરની કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ ગુનામાં ગેરકાયદેસર ગર્ભપાતની દવા આપનાર અને યુવતીને આ કૃત્ય માટે મજબૂર કરનાર તેના પ્રેમી ઈશ્વરને પકડી પાડવા માટે પણ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી મહારાષ્ટ્ર તરફ ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસમાં સુરતમાં આશરો આપનાર સંબંધી કે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસ લંબાવી છે.