ઉના તાલુકાના કેસરીયા ગામમાં દીવ રોડ પર વારંવાર થતા અકસ્માતો અટકાવવા સ્પીડ બ્રેકર મૂકવાની માંગ સાથે ગ્રામજનો અને જનહિત લોક સેવા ફાઉન્ડેશન દ્વારા ઉગ્ર ધરણાં અને ચક્કાજામ યોજાયો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ માર્ગ પર અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. આ પ્રદર્શનમાં જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ ભરતભાઈ શિંગડ અને હાર્દિકભાઈ શિંગડ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. તેઓએ ઓવરલોડિંગ ડમ્પરોની અવરજવર બંધ કરવા અને એક્શન પ્લાન બનાવવાની માંગ કરી હતી.
તંત્રનો કોઈ અધિકારી ન પહોંચતા ગ્રામજનોએ વાહનવ્યવહાર થંભાવી દીધો હતો, જેથી પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અંતે પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. આ દરમિયાન ગ્રામજનોએ સ્થાનિક પોલીસ મથકની બાજુમાં જ વરલી મટકાનો જુગાર ચાલતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.