સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારની જનતાને વર્ષો જૂની ટ્રાફિક અને રેલવે ફાટકની સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવવા સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા પ્રશંસનીય કદમ ઉઠાવવામાં આવ્યું છે. તાજેતરમાં ધારાસભ્યશ્રીએ રેલવે વિભાગના ઉચ્ચ ટેકનિકલ અધિકારીઓ અને એન્જિનયરોની ટીમ સાથે સાવરકુંડલા તથા લીલીયા રેલવે ફાટકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ દરમિયાન વાહનોની દૈનિક સંખ્યા અને ટ્રાફિકની ગંભીરતાને ધ્યાને લઈ, ત્યાં ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવા અંગે ટેકનિકલ નકશાઓ સાથે સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટથી હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ અને કટોકટીના સમયે એમ્બ્યુલન્સ સેવાઓનો કિંમતી સમય બચશે. ધારાસભ્યશ્રીએ આ કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવા સૂચના આપી છે. જનતાની વર્ષો જૂની પીડા સમજીને લેવાયેલા આ સક્રિય પગલાને સમગ્ર પંથકના સ્થાનિક અગ્રણીઓ, વેપારીઓ અને નાગરિકોએ ખુલ્લા દિલથી આવકારી આભાર વ્યક્ત કર્યો છે.