પિપાવાવ પોર્ટ ખાતે કાર્યરત ‘ફ્યુચરેઝ’ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ કંપની સંચાલકો સામે ગંભીર આક્ષેપો સાથે આંદોલનનું એલાન કર્યું છે. ઓપરેશન, પ્લાનિંગ, સેફ્‌ટી, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ જેવા મહત્વના વિભાગોમાં વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓએ ઓછો પગાર અને માનસિક હેરાનગતિ મુદ્દે ન્યાયની માંગ કરી છે.
કર્મચારીઓના જણાવ્યા મુજબ, અન્ય કંપનીઓમાં સમાન કામ માટે રૂ.૬૦,૦૦૦ થી રૂ.૭૦,૦૦૦ ચૂકવાય છે, જ્યારે અહીં વર્ષ ૨૦૨૬-૨૭ માં પણ માસિક પગાર માત્ર રૂ.૧૩,૦૦૦ અપાય છે. “સમાન કામ સમાન વેતન” ના નિયમનું ઉલ્લંઘન કરીને ૧૨ કલાક સુધી કામ કરાવવા છતાં યોગ્ય ઓવરટાઈમ અપાતો નથી.
વધુમાં, અવાજ ઉઠાવનારને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે.
અસંતોષ અને તણાવ વચ્ચે કર્મચારીઓએ કાયદો-વ્યવસ્થા જાળવીને શાંતિપૂર્ણ ધરણા શરૂ કર્યા છે અને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.