ગુજરાતના હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે મોરબીના માળિયા નજીક એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. માળિયાના હરીપર-કેરાળા પાસે એક ઈકો કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં બે નિર્દોષ બાળકો સહિત કુલ ૪ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, આ કમનસીબ પરિવાર દીવ અને ઊના પંથકનો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના સભ્યો કચ્છ ખાતે આવેલ પ્રખ્યાત યાત્રાધામ માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરવા માટે ઈકો કાર લઈને ગયા હતા. દર્શન કરીને ખુશી-ખુશી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન માળિયાના હરીપર પાસે કાળમુખા ટ્રકે ઈકો કારને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ઈકો કારના કુચ્ચે-કુચ્ચા ઉડી ગયા હતા.

આ કરુણ દુર્ઘટનામાં કારમાં સવાર બે માસૂમ બાળકો સહિત કુલ ૪ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અન્ય બે ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ ચારેય મૃતકોની ડેડબોડીને પણ પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે.

ઘટના અંગે પોલીસે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું છે કે, તમામ મૃતકો ઊના અને દીવ પંથકના વતની હોવાનું સામે આવ્યું છે. માતાના મઢથી પરત ફરતી વખતે આ કાળચક્ર ફર્યું હતું. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતકોના પરિવારજનોને જાણ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પવિત્ર યાત્રાધામના દર્શન કરીને પરત ફરતા પરિવારને નડેલા આ અકસ્માતથી ઊના અને દીવ પંથકમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.