અમદાવાદના કાલુપુર ગાંધીરોડ પર આવેલી બેંક ઓફ બરોડા બ્રાંચની કરન્સી ચેસ્ટમાંથી ૮.૭૦ કરોડ રૂપિયાની ઉચાપત કરનાર આરોપી બેંકના કર્મચારી ની ધરપકડ કરવામાં આવી છે. આરોપી હરસિદ્ધ કડિયાર નામના સહ કસ્ટોડિયને શોર્ટકટ અપનાવીને કરોડો રૂપિયા મેળવી લેવાના હેતુથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ચોરીના સનસનીખેજ સીસીટીવી સામે આવ્યા છે. જેમાં આરોપીએ કેવી રીતે ૮.૭૦ કરોડની ચોરીનું ઓપરેશન પર પાડ્યું
અમદાવાદના કાલુપુર વિસ્તારની બેંક ઓફ બરોડામાં  કેશ કે જેને આરબીઆઇની કરન્સી ચેસ્ટમાંથી ૮ કરોડ ૭૦ લાખની ચોરી કરી હતી તે આરોપી આખરે પોલીસની ગિરફતમાં આવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે જે કર્મચારીએ બેંકમાં રહેલ પૈસાની સંભાળ રાખવાની હોય એ જ વ્યક્તી એ કરોડો રૂપિયા સગેવગે કર્યા. તેનાથી ચોંકાવનારી વાત એ છે કે ચોરેલા પૈસાથી તાબડતોડ રોકાણ કરવાનું શરૂ કરી દીધું હતું અને શહેરમાં આલીશાન મકાન અને દુકાન, કાર પણ ખરીદી લીધી હતી. આ ઉપરાંત ક્રિપ્ટો કરન્સીમાં પણ રોકાણ કર્યું હતું. ચોરી કરવાનું કારણ પણ બીજું કાંઈ નહીં પરંતુ માત્રને માત્ર શોર્ટકટ અપનાવીને કામ કરવામાંથી મુક્તી મળે તે માટે જ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપી એ જાન્યુઆરી મહિનામાં ચોરી કરી હતી જાકે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાના અધિકારીઓએ બેંક ઓફ બરોડામાં રહેલ કુલ રકમ અંગે તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો. જે ઘટનામાં ઝોન ૩ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રૂ. ૨ કરોડ ૨૦ લાખની રોકડ રકમ સાથે આરોપીની ધરપકડ કરી છે.
ડી ડિવિઝનના એસીપી હિરેન્દ્ર ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું કે, ૧૫ મી મેના રોજ કાલુપુર પોલીસ સ્ટેશનમાં બીઓબીની આરબીઆઇની તિજારીમાં રહેલાં રૂપિયા ૮ કરોડ ૭૦ લાખની ચોરી મામલે ફરિયાદ નોંધાઈ હતી. આરોપી હરસિદ્ધ કડીયારા ની ધરપકડ થયા બાદ હકીકત સામે આવી છે કે છેલ્લા લાંબા સમયથી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. બેંકમાં ટ્રાન્સપોર્ટ નો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ બાપ દીકરાની જાડી એટલે કે સુલતાન અને ઝુલ્ફીકાર નામના વ્યક્તીએ કરી હતી. જેને પણ પોલીસે રાઉન્ડ અપ કરી લીધા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે આરબીઆઈ દ્વારા બેંકમાં કેશ મોકલવામાં આવતી ત્યારે આરોપી હરસિદ્ધ જ એકમાત્ર જવાબદાર અધિકારી હતો એટલે તેને કોઈ પૂછવા વાળું પણ ન હતું. જેથી બેંકમાં રહેલી કેશને જેમ જેમ સમય મળતો ગયો તેમ તેમ જ્યાં ભંગાર પડી રહેતો એવા સ્ટોર રૂમની ભંગારની પેટીમાં રોકડ રકમ રાખતો ગયો. જાન્યુઆરી મહિનામાં ૧૩મી તારીખે સમય મળતાની સાથે જ ઝુલ્ફીકાર અને સુલતાન નામના વ્યક્તી ની મદદથી ભંગાર બહાર કાઢવાના બહાને રોકડ રકમ બેંકમાંથી બહાર કાઢી લીધી હોવાનું સામે આવ્યું
આરોપી ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ રજા પર ઉતરી ગયો હતો. ચોરી કરેલ રકમથી આરોપીએ ચાંદખેડામાં ૧ કરોડનું આલીશાન મકાન ખરીદ્યું હતું, ૧ કરોડ ૪૦ લાખમાં દુકાન ખરીદી હતી. ૧ અર્ટિગા કાર, ૧ છોટા હાથી વાહનની ખરીદી કરી હતી. આરોપીએ બેંકમાં કામ કરતી એક મહિલાને રૂપિયા ૨૩ લાખ રૂપિયા મકાન લેવા માટે અને રૂપિયા પાંચ લાખ વાપરવા માટે આપ્યા હતા. આ ઉપરાંત આરોપીએ ક્રિપ્ટો કરન્સીમાં પણ રોકાણ કર્યું હોવાની પૂરેપૂરી શંકા પોલીસને છે જે મામલે તપાસ કરવામાં આવશે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી હરસિદ્ધની પત્ની પણ રેલ્વે પોલીસમાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. ચોરી કર્યા બાદ તે તેના પત્ની સાથે શિમલા ફરવા જતો રહ્યો હતો. જાકે પોલીસને આરોપી શિમલા હોવાની માહિતી મળતા જ ત્યાંથી ભાગી છુટ્યો હતો અને નાસ્તો ફરતો હતો. ચોરી મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. જે સંદર્ભે પોલીસને માહિતી મળી કે આરોપી હરસિદ્ધ સોલા વિસ્તારમાં ઔડાની આવાસ યોજનાના મકાનમાં તેના પરિચિત ના ઘરે છે. જ્યાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી
બેંકમાં ચોરીની આ ઘટનાનો પર્દાફાશ થયો અને ચોર ઝડપાઇ ગયો. ત્યારે આ ઘટના પરથી અન્ય બેન્ક સંસ્થાએ પણ શીખ લેવાની જરૂર છે. જેથી તેમના ત્યાં આવી ઘટના ન બને. ત્યારે જાવાનું એ રહે છે કે આ ઘટનામાં આગળ શું અને કેવા કેવા ખુલાસાઓ થાય છે