જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ભર ઉનાળાની વચ્ચે અચાનક વરસાદી માહોલ જામતા લોકોમાં આશ્ચર્ય સાથે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. કાલાવડ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
કમોસમી વરસાદને કારણે ખેતીમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઉનાળુ પાક અને ખેતરમાં તૈયાર પાક પર વરસાદની અસર થવાની શકયતા છે. વરસાદ પડતા ખેડૂતોમાં પાક બગડવાની ચિંતા વધી ગઈ છે
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં બદલાવ જાવા મળી રહ્યો હતો અને વાદળછાયું માહોલ વચ્ચે આજે ધીમો વરસાદ શરૂ થયો હતો. અચાનક પડેલા વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ભીના બન્યા હતા અને લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી.
હવામાનમાં આવેલા આ બદલાવને લઈને ખેડૂતો હવે આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે કે નહીં તેના પર નજર રાખી રહ્યા છે. જા કમોસમી વરસાદ યથાવત રહેશે તો કૃષિ પાકને નુકસાન વધી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.








































