ગુજરાત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના હોદ્દેદારોની વરણી અને સામાન્ય સભાઓ વચ્ચે મોરબી જિલ્લા પંચાયતમાંથી રાજ્યના રાજકારણને હચમચાવી દે તેવા સૌથી મોટા અને આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. મોરબી જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી પાસે પ્રચંડ અને સ્પષ્ટ બહુમતી હોવા છતાં, પ્રમુખ તરીકે વિરોધ પક્ષ કોંગ્રેસના મહિલા સદસ્યની વરણી થઈ છે. આ અણધારી રાજકીય સ્થિતિને પગલે સમગ્ર રાજ્યના પોલિટિકલ સર્કલમાં ભારે ચર્ચા જાગી છે.
આજે યોજાયેલી ખાસ સામાન્ય સભામાં મોરબી જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે કોંગ્રેસના ગીતાબેન દુબરીયા સત્તાવાર રીતે ચૂંટાઈ આવ્યા છે. જ્યારે બીજી તરફ, ઉપપ્રમુખ તરીકે ભાજપના સદસ્ય વિપુલભાઈ ગરચરની વરણી કરવામાં આવી છે. બહુમતી હોવા છતાં ભાજપ પ્રમુખ પદ ગુમાવી બેઠું છે, જે પાછળ એક મોટું કાયદાકીય અને બંધારણીય ગણિત જવાબદાર છે.
જા રાજકીય સંખ્યાબળની વાત કરીએ તો, મોરબી જિલ્લા પંચાયતની કુલ ૨૪ બેઠકોમાંથી ભાજપ પાસે ૧૭ બેઠકોનું સ્પષ્ટ અને મજબૂત સંખ્યાબળ છે, જ્યારે કોંગ્રેસ લઘુમતીમાં છે. લોકશાહીના સામાન્ય નિયમ મુજબ અહીં ભાજપના જ પ્રમુખ બનવા જાઈએ, પરંતુ આ વખતે સત્તાના સમીકરણો કાયદાકીય જાગવાઈના કારણે પલટાઈ ગયા.
વાસ્તવમાં, ચાલુ અઢી વર્ષની ટર્મ માટે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખની બેઠક એસ.ટી. (એસટી – અનુસૂચિત જનજાતિ) કેટેગરી માટે અનામત રાખવામાં આવી હતી. ભાજપ પાસે ૧૭ બેઠકોની બહુમતી તો હતી, પરંતુ પક્ષના આ તમામ વિજેતા ઉમેદવારોમાંથી કોઈ પણ સદસ્ય એસ.ટી. અનામત કેટેગરીનો નહોતો.
બીજી તરફ, વિપક્ષ કોંગ્રેસમાંથી ગીતાબેન દુબરીયા એસ.ટી. અનામત બેઠક પરથી ચૂંટણી જીતીને પંચાયતમાં આવ્યા હતા. નિયમ મુજબ પ્રમુખ પદ માટે એસ.ટી. ઉમેદવાર હોવો અનિવાર્ય હોવાથી, ભાજપ ભારે બહુમતી હોવા છતાં પણ ટેકનિકલ કારણે પોતાનો પ્રમુખ બેસાડી શક્યું નથી. પરિણામે, કોંગ્રેસી સદસ્ય ગીતાબેન દુબરીયાના શિરે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો તાજ સજ્યો છે.
જા કે, ઉપપ્રમુખ પદ અનામત ન હોવાથી ભાજપે પોતાના સંખ્યાબળના જારે વિપુલ ગરચરને ઉપપ્રમુખ પદે બિરાજમાન કર્યા છે. આ અનોખા શાસકીય માળખાને કારણે હવે મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ કોંગ્રેસના અને ઉપપ્રમુખ ભાજપના રહેશે, જે આગામી સમયમાં જિલ્લાના વહીવટ માટે ભારે રસપ્રદ સાબિત થશે.










































