ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરો ઉનાળો પોતાનો પ્રકોપ દેખાડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર અને ચોમાસાના આગમનને લઈને મહત્વની અપડેટ આવી છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગ, અમદાવાદ કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર બુલેટિન અનુસાર, આગામી અઠવાડિયામાં રાજ્યના તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પણ પોતાના નિયત સમય તરફ આગળ વધી રહ્યું છે.
આજે પણ રાજ્યના વિવિધ શહેરમાં કાળઝાળ ગરમી યથાવત્ રહી હતી. આજે અમદાવાદનું તાપમાન સામાન્ય વધી ૪૩.૭ ડિગ્રી સુધી પહોંચી જતા બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ લોકોએ કર્યો હતો. જ્યારે રાત્રિનું તાપમાન પણ સામાન્યથી વધુ રહેતા લોકોએ રાત્રે પણ ગરમીનો અહેસાસ કર્યો હતો. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આગામી ૩ થી ૪ દિવસ દરમિયાન ચોમાસું દક્ષિણ-પૂર્વીય અરબી સમુદ્ર, કોમોરિન વિસ્તાર, તેમજ બંગાળની ખાડીના કેટલાક ભાગો અને આંદામાન સમુદ્રના બાકીના વિસ્તારોમાં આગળ વધે તેવી પ્રબળ સંભાવના છે. વધુમાં, મોડેલના અંદાજ મુજબ કેરળમાં ૨૬ મેની આસપાસ (વત્તા-ઓછા ૪ દિવસના તફાવત સાથે) ચોમાસાનું સત્તાવાર આગમન થઈ શકે છે.
વિવિધ શહેરના તાપમાનઃ અમદાવાદ ૪૩.૭,ડીસા ૪૧.૬, ગાંધીનગર ૪૩.૨વડોદરા ૪૨,ભૂજ ૩૯,અમરેલી ૪૩.૧, રાજકોટ ૪૩.૬,સુરેન્દ્રનગર ૪૩










































