અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (બીઆરટીએસ) ની ખાનગી કોન્ટ્રાક્ટર કંપનીના ૯૦ જેટલા ડ્રાઈવરો હડતાળ પર ઉતરતા સેવાને અસર થઈ હતી. પગાર વધારા સહિતની માગણીઓને લઈને મેમ્કો ખાતે આવેલા ડેપો ખાતે ડ્રાઈવરોએ હડતાળ પાડી હતી. જેના પગલે બપોરના સમયે મ્ઇ્‌જી બસની સેવાને આંશિક અસર થઈ હતી. લગભગ ૫૦ બસો સવારે દોડી ન હોવાથી મુસાફરો અટવાયા હતા. જાકે, ૩ કલાક સુધી ખાનગી કોન્ટ્રાક્ટર અને ડ્રાઈવરો સાથે ચર્ચા ચાલ્યા બાદ બસો ફરી શરૂ કરવામાં આવી હતી. આમ, સવારે પિક અવર્સમાં જ હડતાળના પગલે થોડાક સમય માટે બસો બંધ રહેવાના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બીઆરટીએસની ૧૦૦ જેટલી ખાનગી કોન્ટ્રાક્ટની બસો બીઆરટીએસમાં ચલાવવા માટે આપવામાં આવી છે. ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટથી બસો ચલાવવા માટે આપી હતી. જાકે, આ બસ ચલાવતા ડ્રાઈવરોને કોન્ટ્રાક્ટર સાથે પગાર સહિતની માંગણીઓને લઈને રજૂઆત કરી હોવા છતાં ઉકેલ આવ્યો ન હતો. જેના પગલે લગભગ ૯૦ જેટલા ડ્રાઈવરો સવારથી જ હડતાળ પર ઉતરી ગયા હતા. અચાનક ડ્રાઈવરો હડતાળ પર ઉતરી જતાં મ્ઇ્‌જીની ૫૦ કરતા વધુ બસો રોડ પર દોડી શકી ન હતી. જેના પગલે અલગ અલગ રૂટની બસો ન દોડવાથી સેવાને આંશિક અસર થઈ હતી. ઘણા મુસાફરો બસની રાહ જાઈ ઊભા રહ્યા હતા અને કામ પર સમયસર પહોંચી શક્યા ન હોવાનું પણ જાણવા મળે છે.
મેમ્કો ખાતે આવેલા ડેપો પર ડ્રાઈવર હડતાળ પર બેસી ગયા હતા. તેમની માગણી હતી કે, બસ બ્રેકડાઉન થાય તેવા કિસ્સામાં પણ ડ્રાઈવરોની હાજરી કાપી લેવામાં આવે છે. ઉપરાંત હાજરી કપાઈ જવાના લીધે તેમને મળતા માસિક પગારમાં ઘટાડો થાય છે અને તેના લીધે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. જેના પગલે ડ્રાઈવરોએ તાત્કાલીક નિયમોમાં ફેરફાર કરવા માટે માંગણી કરી હતી. આમ, ડ્રાઈવરોની હડતાળના પગલે સેવાને અસર થતાં આ મુદ્દે સમાધાન થાય તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં કંપની અને ડ્રાઈવરો વચ્ચે સમાધાન માટે બેઠક મળી હતી.
કંપનીના માણસો વાતચીત માટે આવી પહોંચ્યા હતા અને લગભગ ૩ કલાક સુધી મંત્રણા બાદ ડ્રાઈવરોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલની ખાતરી મળતા બપોરે ૧૨ વાગ્યે ડ્રાઈવરો બસ પર ચડતા બસો પુનઃ શરૂ થઈ હતી.