ખાંભા પોસ્ટે વિસ્તારમાં આવેલ નાની ધારી ગામે થયેલ હત્યાનાં બનાવ અંગે અમરેલી એલસીબી ટીમને મોટી સફળતા મળી છે. બનાવની વિગત મુજબ જયરાજભાઈ તથા શક્તિરાજભાઈ મોટરસાયકલ પર જતા હતા તે સમય દરમિયાન સ્વિફ્ટ કારમાં આવેલા મયુરભાઈ તથા અન્ય અજાણ્યા ત્રણ ઈસમોએ જૂની અદાવત રાખી ગાડી અથાડી દીધી હતી. ત્યારબાદ કારમાંથી નીચે ઉતરી તલવાર, કુહાડી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી જયરાજભાઈનું મોત નિપજાવ્યું હતું. આ ગંભીર ગુનાની જાણ થતા અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી.વાઘેલા અને તેમની ટીમે બાતમી તેમજ ટેકનિકલ સોર્સના આધારે ગણતરીના દિવસોમાં ચાર મુખ્ય આરોપીઓને દબોચી લીધા છે. પકડાયેલ આરોપીઓમાં મયુરભાઈ વરુ, ચાપરાજભાઈ વાળા, સુરેશભાઈ વરુ અને ઉમેશભાઈ વરુનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓને આગળની કાર્યવાહી માટે ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી દીધેલ છે.










































