અમરેલી જિલ્લામાં રેતી ખનન કરતાં ઇસમો સામે લાલ આંખ કરવામાં આવી હતી. ધારીના વેકરીયાપરા પાસે સર્કલ ઓફિસરે રોયલ્ટી પાસ વગર રેતી ખનન કરતું ટ્રેક્ટર ઝડપ્યું હતું. જે બાદ તેમને ગાળો આપીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે કુલદીપસિંહ જામસંગભાઈ હાડા (ઉ.વ.૩૫)એ ઉદયભાઇ વાળા (રહે. શિવડ) તથા અન્ય અજાણ્યા પાંચ ઇસમો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાની ફરજ ઉપર હોઇ તે દરમ્યાન ધારી વેકરીયાપરા પાસે ગેરકાયદે રેતી ભરેલ ટ્રેક્ટર રોકી રોયલ્ટી પાસ માંગતા રોયલ્ટી પાસ ન હોવાનુ ડ્રાઇવરે જણાવ્યું હતું.જેથી તેમણે ટ્રેક્ટર મામલતદાર કચેરીએ લઇ લેવાનું જણાવતા આ આરોપી ટ્રેકટર ચાલક તથા પાછળથી આવેલા તહોમતદાર ટ્રેક્ટર માલીક તથા અન્ય ત્રણ જેટલા આરોપી જેમાના એક ઉદયભાઇ વાળા રહે. શીવડએ ગેરકાયદે મંડળી રચી તેમને ગાળો આપી ઢીકાપાટુનો માર મારીને કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. તેમજ અન્ય એક એક્ટીવા ચાલકે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.








































