સિડની (ઓસ્ટ્રેલિયા) ખાતે સ્થાયી થયેલા એનઆરઆઈ સૌરભ જોલી સાથે થયેલી રૂ. ૧૧ લાખની સાયબર છેતરપિંડીના કેસમાં અમરેલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સમગ્ર રકમ પરત અપાવી છે. પીડિતે માત્ર એક ઈ-મેઈલ દ્વારા અમરેલી પોલીસ વડાને અરજી મોકલી હતી, જેના પર સાયબર ક્રાઈમ ટીમે સત્વરે કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ સુપ્રિટેન્ડન્ટ સંજય ખરાતના જણાવ્યા અનુસાર, દિલ્હીના મૂળ નિવાસી અને હાલ સિડની રહેતા સૌરભ જોલીએ એપ્રિલ ૨૦૨૬માં સોનું ખરીદવા માટે અમરેલીના એક શખ્સને રૂ. ૧૧ લાખ ટ્રાન્સફર કર્યા હતા. જોકે, પેમેન્ટ મેળવ્યા બાદ પણ સોનું પૂરું પાડવામાં આવ્યું નહોતું. ઈ-મેઈલથી ફરિયાદ મળતા જ અમરેલી સાયબર ક્રાઈમ સેલે સંબંધિત બેંક સાથે સંકલન સાધી તપાસ તેજ કરી હતી અને ગણતરીના દિવસોમાં જ સંપૂર્ણ રકમ રિકવર કરી મૂળ માલિકને પરત અપાવી હતી. અમરેલી પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ફરિયાદીએ પોલીસ વિભાગનો આભાર માન્યો હતો.







































