અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની ગાંધીરોડ બ્રાંચમાં કરોડોની ચોરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આરબીઆઇની કરન્સી ચેસ્ટમાંથી ૮.૭૦ કરોડ રૂપિયા સગેવગે કરવાના કેસમાં પોલીસે બેંકના જાઈન્ટ કસ્ટોડિયન હરસિદ્ધ કડિયારની ધરપકડ કરી છે.
આ સમગ્ર કૌભાંડ સામે આવતા બેંકિંગ ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ચોંકાવનારી બાબત એ છે કે જે વ્યક્તિ પર કરોડોની રોકડની સુરક્ષા અને દેખરેખની જવાબદારી હતી, તે જ વ્યક્તિએ આ ચોરીને અંજામ આપ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.ફરિયાદ મુજબ, બેંકમાં આરબીઆઇની કરન્સી ચેસ્ટ રાખવામાં આવી હતી, જ્યાંથી વિવિધ બેંકોને રોકડ પુરવઠો કરવામાં આવતો હતો. ચીફ કસ્ટોડિયન સંજય શર્મા અને જાઈન્ટ કસ્ટોડિયન હરસિદ્ધ કડિયાર રોકડના હિસાબની જવાબદારી સંભાળતા હતા.
ઓડિટ દરમિયાન રૂપિયા ૫૦૦ની કુલ ૧૭૪ રીલ એટલે કે અંદાજે ૮.૭૦ કરોડ રૂપિયા ઓછી હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં હરસિદ્ધ કડિયાર બેંકમાંથી બોક્સ બહાર લઈ જતો જાવા મળ્યો હતો. તેણે સ્ટાફને કહ્યું હતું કે બોક્સમાં ભંગાર છે અને તે તેને બહાર ફેંકવા લઈ જઈ રહ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ જાન્યુઆરી મહિનામાં જ ચોરી કરી હતી. સીસીટીવી ફૂટેજ ૯૦ દિવસમાં ડિલીટ થઈ જશે તેવી ગણતરી સાથે આરોપી નિયમિત નોકરી પર આવતો રહ્યો હતો. બાદમાં તેણે તબિયત ખરાબ હોવાનું કહી રજા લીધી અને ૨૦ એપ્રિલ પછી ગાયબ થઈ ગયો હતો.તપાસ દરમિયાન ઝોન-૩ એલસીબીની ટીમે આરોપીને સોલા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. તેની કારમાંથી પોલીસે ૨.૨૦ કરોડ રૂપિયા રોકડ, મોબાઈલ ફોન અને વાહન કબજે કર્યું છે.
ચોરીના રૂપિયાથી આરોપીએ ચાંદખેડા વિસ્તારમાં અંદાજે ૨ કરોડ રૂપિયાનો બંગલો અને ૧.૪૦ કરોડ રૂપિયાની દુકાન ખરીદી હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત તેણે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હતું અને એક “છોટા હાથી” વાહન પણ ખરીદ્યું હતું.તપાસમાં એ પણ ખુલ્યું છે કે આરોપીએ પોતાની ઓળખાણની એક મહિલાને મકાન ખરીદવા માટે કુલ ૨૮ લાખ રૂપિયા આપ્યા હતા.
હરસિદ્ધ કડિયાર છેલ્લા ૧૫ વર્ષથી બેંક ઓફ બરોડામાં ફરજ બજાવતો હતો. પોલીસ હવે તેની પત્ની, જે રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, તેની કોઈ સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે.પોલીસે આરોપી સાથે સંકળાયેલા અન્ય બે લોકોની પણ અટકાયત કરી છે, જેઓ કેશ ટ્રાન્સફરનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.