કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે વડા પ્રધાન મોદી અને દેશના ગૃહમંત્રીને “દેશદ્રોહી” કહ્યા. રાયબરેલીમાં એક સભાને સંબોધતા રાહુલે કહ્યું કે વીરા પાસી જી અને આંબેડકરજીએ કહ્યું હતું કે ભારતમાં દરેક નાગરિક સમાન છે અને દરેકને સમાન અધિકાર હોવા જાઈએ. ભાજપે રાહુલના નિવેદનનો વળતો જવાબ આપ્યો છે. ભાજપે કહ્યું છે કે રાહુલ પાકિસ્તાનની ભાષા બોલે છે. તેમની વિચારસરણી શહેરી નક્સલ જેવી છે.
રાહુલે કહ્યું કે આ દેશ બધાનો છે, કોઈ એક જાતિ કે સંગઠનનો નહીં. દેશના બંધારણમાં પણ એ જ વાત કહેવામાં આવી છે. બંધારણમાં ભારતના લોકોનો અવાજ છે. બંધારણનું રક્ષણ કરવું આપણી ફરજ છે. ભાજપે દેશ વેચી દીધો છે.
રાહુલે વધુમાં કહ્યું કે જ્યારે પણ ભાજપ-આરએસએસના સભ્યો તમારી સામે આવે છે અને નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિશે વાત કરે છે, ત્યારે તમારે તેમને ખુલ્લેઆમ કહેવું જાઈએ, “નરેન્દ્ર મોદી અને અમિત શાહ દેશદ્રોહી છે. ભાજપ અને આરએસએસ દેશદ્રોહી છે,” કારણ કે તમે સાથે મળીને દેશ વેચી દીધો છે. ભાજપ અને આરએસએસએ બંધારણ, વીરા પાસી, ગાંધી અને આંબેડકર પર હુમલો કર્યો છે.
રાહુલે કહ્યું કે વડા પ્રધાન જનતાને સોનું ન ખરીદવા, વિદેશ પ્રવાસ ન કરવા અને ઇલેક્ટ્રિક વાહનોમાં મુસાફરી ન કરવા કહે છે. આ બધું કહ્યા પછી તરત જ, નરેન્દ્ર મોદી હજારો કરોડના વિમાનમાં ચઢીને વિદેશ જવા રવાના થાય છે, જ્યારે દેશ આર્થિક તોફાનનો સામનો કરી રહ્યો છે ત્યારે જનતા ચૂપચાપ જાઈ રહી છે. ભારે મોંઘવારી થશે, દરેક વસ્તુના ભાવ વધશે અને ખાતરની અછત થશે.
ભાજપે રાહુલના નિવેદનનો સખત જવાબ આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે રાહુલે વડા પ્રધાન કે ગૃહમંત્રીને “દેશદ્રોહી” નહીં, પરંતુ ૧.૪ અબજ દેશવાસીઓને કહ્યા છે. રાહુલની માનસિકતા નક્સલવાદી જેવી છે. તેમની વિચારસરણી શહેરી નક્સલ જેવી છે. રાહુલ પાકિસ્તાનની ભાષા બોલે છે.
ભાજપના નેતા શહઝાદ પૂનાવાલાએ કહ્યું, “…રાહુલ ગાંધીએ ઓબીસી સમુદાય અને ગરીબોમાંથી આવતા વડા પ્રધાન સામે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો છે, તેમને દેશદ્રોહી ગણાવ્યા છે, તે તેમના ઉછેરને દર્શાવે છે. કોંગ્રેસ પાર્ટી માટે વડા પ્રધાન સામે આવી ભાષાનો ઉપયોગ કરવો એ નવી વાત નથી. તેમણે અનેક અપશબ્દોનો ઉપયોગ કર્યો છે… કારણ કે વડા પ્રધાન ઓબીસી સમુદાય અને ગરીબોમાંથી આવે છે, તેઓ વારંવાર તેમને અપશબ્દો કહે છે. આ તેમની માનસિકતા દર્શાવે છે. વિશ્વાસઘાતની વાત કરીએ તો, રાહુલ ગાંધીએ તેમના પરિવારના ઇતિહાસ પર નજર નાખવી જાઈએ. દરેક ક્ષણે કોણે તેમને દગો આપ્યો છે?”