ભાવનગર શહેરમાં બાપા સીતારામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. સોસાયટી પર કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવવાના આક્ષેપો થતાં રોકાણકારોમાં ચિંતા અને રોષનો માહોલ જાવા મળી રહ્યો છે.સ્થાનિક લોકો અને એજન્ટો હવે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
માહિતી મુજબ, સોસાયટીની ઓફિસ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી બંધ હોવાનું સામે આવ્યું છે.રોકાણકારો અને એજન્ટો પૈસા અંગે પૂછપરછ કરવા પહોંચ્યા ત્યારે ઓફિસ બંધ મળતા શંકા વધુ ગાઢ બની હતી. આક્ષેપો મુજબ, અનેક એજન્ટો મારફતે હજારો લોકો પાસેથી રોકાણ કરાવવામાં આવ્યું હતું. હવે રોકાણકારોને સમયસર રકમ ન મળતા લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.કેટલાક એજન્ટોએ પણ પોતે છેતરાયા હોવાનો દાવો કર્યો છે.
સોસાયટી સાથે જાડાયેલા જવાબદાર વ્યક્તિઓનો સંપર્ક ન થતાં ગુસ્સે ભરાયેલા લોકો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.ત્યાં પણ તાળા જાવા મળતા લોકોમાં વધુ રોષ ફેલાયો હતો અને સમગ્ર મામલે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
સ્થાનિક સ્તરે સોસાયટી સામે મોટા આર્થિક ગેરવહીવટ અને કરોડો રૂપિયાના ફુલેકાના આક્ષેપો થઈ રહ્યા છે.હાલ સમગ્ર મામલે સત્તાવાર તપાસ અને જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.