એક હતી કીટ્ટુ કીડી. તે હતી તો નાની, પણ એની સૂંઘવાની શક્તિ બહુ તેજ! એને મીઠાઈની સુગંધ તો છેક દૂરથી આવી જાય. એક દિવસ કીટ્ટુ ફરતી ફરતી રસોડામાં ગઈ. ખોરાકની શોધમાં એણે નાક હલાવ્યું… સૂં… સૂં… સૂં!
“અરે વાહ! આ તો ખાંડની સુગંધ છે!” કીટ્ટુના મોઢામાં તો પાણી આવી ગયું. એ તો સરરર કરતી સુગંધની દિશામાં દોડી. કીટ્ટુ દોડતી દોડતી ટુકડા પાસે પહોંચી ગઈ. જઈને જોયું તો ત્યાં એક સાકરનો મોટો ટુકડો પડ્‌યો હતો. એના માટે તો એ ટુકડો એક મોટા પહાડ જેવો હતો! કીટ્ટુએ એ ટુકડાને ખેંચવા પ્રયત્ન કરી જોયો પણ ટુકડો જરાય હલ્યો નહિ. “હાય હાય! આ તો કેટલું વજનદાર છે!” કીટ્ટુએ એકલા ઊંચકવાનો પ્રયત્ન કર્યો.
એણે લગાડ્‌યું જોર… હૈસો… હૈસો… હૈસો! પણ સાકરનો ટુકડો હાલ્યો જ નહીં. કીટ્ટુ હાંફી ગઈ. એના પગ ધ્રૂજવા લાગ્યા.
તેને વિચાર આવ્યો, ‘લાગે છે મારા એકલાથી આ કામ નહીં થાય! ને આમેય મિત્રો સાથે ખાવાની મજા પડશે! લાવને બધા ભાઈબંધોને બોલાવી જ લાવું!”
એમ વિચારી તે સરરર કરતી એના રાફડા તરફ દોડી. રસ્તામાં એને ચિન્ટુ કીડી મળી ગઈ.
કીટ્ટુ: “ચિન્ટુ, ચાલ જલ્દી! સાકરનો ખજાનો મળ્યો છે!”
ચિન્ટુ: “સાચે! ચાલ, હું આપણા બીજા મિત્રોને પણ બોલાવી આવું.”
જોતજોતામાં તો કીડીઓની આખી ફોજ તૈયાર થઈ ગઈ. બધી કીડીઓ એકબીજાની પાછળ લાઈન બનાવીને ચાલવા લાગી.
જ્યારે બધી કીડીઓ સાકર પાસે પહોંચી, ત્યારે તો બધાની આંખો ફાટી ગઈ! સાકરનો મોટો ટુકડો જોઈ બધી કીડીઓના મોંમાં પાણી આવી ગયું. બધી કીડીઓ સરરર કરતી ટુકડા પાસે પહોંચી ગઈ. બધાંએ એકસાથે ટુકડાને પકડ્‌યો. પછી શરૂ થયું અસલી કામ. ‘એક દો… એક દો… હૈસો… હૈસો!’
બધી કીડીઓ હસતી જાય અને સાકરને ખેંચતી જાય. કીટ્ટુ સૌથી આગળ હતી. રસ્તામાં એક નાનો ખાડો આવ્યો. એમાં ચિન્ટુ ગબડી – ધડામ! બધી કીડીઓ ખડખડાટ હસવા લાગી.
સાકરના ટુકડાને રાફડા સુધી લઈ જતાં રસ્તામાં એક નાનું ઘાસનું તણખલું આવ્યું. કીટ્ટુને એનાથી ગલીપચી થવા લાગી – “અરેરે! મને ગલીપચી થાય છે! હી… હી… હી…” કીટ્ટુ હસીહસીને લોટપોટ થઈ ગઈ. હસવામાં ને હસવામાં સાકરનો ટુકડો ફરીથી નીચે પડી ગયો.
છેવટે, મહેનત રંગ લાવી. બધી કીડીઓ ટુકડો લઈને રાફડાની અંદર પહોંચી ગઈ. ત્યાં તો બધી કીડીઓએ મસ્ત પાર્ટી કરી. કોઈએ સાકરનો ભૂકો ખાધો. કોઈએ સાકર પર બેસીને ગીતો ગાયાં. કીટ્ટુ તો સાકરના ટુકડા પર સૂઈ ગઈ અને બોલી, “આ તો મારું મીઠું મીઠું ગાદલું છે!” આખરે બધી કીડીઓ ધરાઈને સૂઈ ગઈ. કીટ્ટુને તો સપનામાં પણ સાકરના પહાડો જ દેખાતા હતા!
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭