ગોંડલની સબજેલમાં બંધ એક કેદીનું અચાનક તબિયત લથડતા મોત નીપજ્યું છે. જેતપુરના રવિભાઈ લાખાભાઈ વિંઝુડા નામના ૩૧ વર્ષીય યુવાનનું હોસ્પિટલમાં મોત થતાં ચકચાર મચી હતી. આ મૃતક આરોપીની છેલ્લા ૩થી ૪ દિવસથી તબિયત નાદુરસ્ત હતી. આજે સવારે તેની સ્થિતિ વધુ બગડતા જેલ તંત્ર દ્વારા તાત્કાલિક જેલની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ તપાસ માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં જરૂરી રિપોટ્‌ર્સ અને પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલથી પરત આવ્યા બાદ આરોપીને જેલની બેરેકમાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ, ગઈ કાલે રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ તેની તબિયત ફરીથી એકાએક લથડી હતી અને તે બેભાન થઈ ગયો હતો. આથી તેને ફરીથી એમ્બ્યુલન્સમાં ગોંડલ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. કેદીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે.