ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. માણેકવાડાથી બંધાળા માર્ગ પર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને એક શંકાસ્પદ કાળા રંગની કારને આંતરી હતી, જેમાંથી ૧૧ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી રાજેશ કાઠી નામના શખ્સની અટકાયત કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ કાર્યવાહીથી બુટલેરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે માણેકવાડાથી બંધાળા માર્ગ પર કેટલાક ઇસમો રાજ્ય બહારથી કારમાં દારુ લાવીને હેરાફેરી કરી રહ્યા છે. આ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા માણેકવાડાથી બંધાળા માર્ગ પર વોચ ગોઠવીને શંકાસ્પદ લાગતી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જાકે, કાર ચાલકે પોલીસને જાઇને કારને વધુ ગતિથી દોડાવી હતી. તે બાદ પોલીસ જવાનોએ અન્ય ખાનગી વાહનની મદદથી કારને બંધાળા માર્ગ પર રોકી હતી અને તેમાં તપાસ કરતા ડેકી તેમજ શીટ નીચેથી કાગળના પુઠામાં પેક દારૂની નાની ૧૯૮૬ બોટલ મળી આવી હતી.
જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ કે.એમ.પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, મૂળ બંધાળાનો રાજેશ કાઠી કાળા કલરની કાર લઇને બંધાળા તરફ આવતો હતો. આ કારની તપાસ કરતા કારની અંદરથી ૧૯૮૬ દારૂની નાની બોટલ મળી આવી હતી. સમગ્ર મામલામાં પોલીસે ફરાર બે આરોપી યુવરાજ અને કૌશિક વાળાનો સમગ્ર દારુ પ્રકરણમાં કેવો રોલ છે? આ દારુ કોણે મંગાવ્યો હતો અને ક્્યાં લઇ જવાનો હતો? આવા તમામ વિષયો પર પોલીસ ખૂબ જ ગંભીરતાથી તપાસ કરી રહી છે.
જૂનાગઢમાં ખાનગી વાહનમાં દારૂની હેરાફેરીનો જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ પોલીસની કાર્યવાહી બાદ બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.







































