બગસરા શહેરમાં એકલવાયા જીવનથી કંટાળી એક વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાની કરુણ ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક સમયથી એકલા રહેતા વૃધ્ધે માનસિક વ્યથામાં આવી ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે દીપકભાઈ જેન્તીભાઈ ખોરાસીયા (ઉ.વ.૪૭) એ પોલીસને જાણ કર્યા મુજબ, જેન્તીભાઈ વનમાળીદાસ ખોરાસીયા (ઉ.વ.૬૮) છેલ્લા ઘણા સમયથી એકલવાયું જીવન જીવી રહ્યા હતા.કોઈના સાથ-સહકાર વિનાના આ સૂના જીવનથી તેઓ મનોમન કંટાળી ગયા હતા. આ એકલતાની પીડા અસહ્ય બનતા આખરે તેમણે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.










































