સાવરકુંડલામાં શૈક્ષણિક સંસ્થા સેન્ટ થોમસ સ્કૂલના વિદ્યાર્થીઓએ રમત ગમત ક્ષેત્રે સિધ્ધિ મેળવી રાજ્ય કક્ષાએ શાળાનું ગૌરવ વધાર્યું હતું. ગીર સોમનાથ જિલ્લા ખાતે યોજાયેલ ઓપન ગુજરાત કરાટે ચેમ્પિયનશિપમાં શાળાના ૬ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. સાવરકુંડલામાં સેન્ટ થોમસ સ્કૂલમાં કરાટેની કઠિન અને સ્પર્ધાત્મક ટૂર્નામેન્ટમાં તમામ વિદ્યાર્થીઓએ પોતાની કળા, શિસ્ત અને આત્મવિશ્વાસનો પરિચય આપી મેડલ્સ હાંસલ કર્યા હતા. જેમાં રૂપારેલ ભવ્યએ પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે મશરૂ ભાવના, વાળા દિવિત, બગડા જૈનિશા, રાઠોડ આન્યા અને મેર રુદ્રએ દ્વિતીય ક્રમાંક મેળવી સિલ્વર મેડલ્સ મેળવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાની આ સફળતાનો શ્રેય શાળા પરિવાર, માતા પિતા તેમજ પોતાના કોચ સેન્સેઈ વત્સલ પરમારને આપ્યો હતો.










































