ધારી તાલુકાના જીરા ગામમાં રમેશભાઈ સેજપાલની વાડીમાં બની રહેલા એક ફાર્મહાઉસમાં અચાનક દીપડી ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ત્યાં કામ કરી રહેલા મજૂરોએ અપ્રતિમ હિંમત અને સૂઝબૂઝ બતાવી હતી. દીપડીને જોતા જ મજૂરોએ તેને યુક્તિપૂર્વક બાથરૂમમાં ધકેલી દીધી હતી અને બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. આ તાત્કાલિક કાર્યવાહીને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતા જ દલખાણીયા રેન્જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. વન વિભાગના કર્મચારીઓએ સમગ્ર ફાર્મહાઉસને ચારે તરફથી કોર્ડન કરી લીધું હતું. ત્યારબાદ બાથરૂમમાં પુરાયેલી દીપડીને સુરક્ષિત રીતે ટ્રાન્ક્યુલાઈઝ કરીને બેહોશ કરવામાં આવી હતી. દીપડી બેભાન થયા બાદ તેને સાવચેતીપૂર્વક પાંજરે પૂરવામાં આવી હતી અને વધુ તપાસ માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી છે. વન વિભાગની આ સફળ અને સમયસરની કામગીરીને પગલે સ્થાનિક રહેવાસીઓએ અને વાડી માલિકે રાહતનો શ્વાસ લીધો હતો.