વડિયા તાલુકાના તોરી ગામે ખેતીમાં પૂરતું વળતર ન મળતા અને આર્થિક ભીંસ અનુભવતા એક ખેડૂતે આપઘાત કરી લેતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ખેતીમાં ચાલુ વર્ષ નબળું જતાં આર્થિક સ્થિતિથી વ્યથિત થઈ ખેડૂતે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.મળતી વિગતો અનુસાર, તોરી ગામના રહીશ અને ૧૦ વીઘા જમીન ધરાવતા ખેડૂત મૂળજીભાઈ દેવજીભાઇ રાઠોડ (ઉ.વ. ૪૭) ચાલુ વર્ષે ખેતપેદાશમાં ધાર્યું વળતર ન મળતા ભારે માનસિક ચિંતામાં હતા. ૧૦ વીઘાના ટુકડા પર નિર્ભર આ ખેડૂતને મહેનત કરવા છતાં પાક નિષ્ફળ જતાં તેઓ મનોમન અશાંતિ અનુભવી રહ્યા હતા. આ પરિસ્થિતિથી કંટાળીને ખેડૂતે પોતાના ઘરે ઘઉંમાં નાખવાની ઝેરી ટીકડીઓ ગળી લીધી હતી. ઝેરી અસર થવાને કારણે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.રાજુલામાં રહેતી એક પરિણીતાને માનસિક બીમારી હોવાથી સતત નકારાત્મક વિચારો આવતા હતા. જેનાથી કંટાળી જઇ તેણે કોઈ ઝેરી પ્રવાહી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.









































