રાજપીપળા ખાતે નર્મદા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર એનેસ્થેસિયોલોજિસ્ટ ડા. હર્ષ ચૌધરીનો મૃતદેહ તેમના નિવાસસ્થાનેથી મળતા ચકચાર મચી ગઈ છે. ડાક્ટરનું મોત સ્વાભાવિક કારણોસર થયું છે કે આપઘાતનો મામલો છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર, ડા. હર્ષ ચૌધરી છેલ્લા છ મહિનાથી નર્મદા સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગમાં સેવા આપી રહ્યા હતા. ૮ મેના રોજ તેઓ ફરજ પર હાજર ન રહેતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંપર્ક ન થતા સહકર્મીઓ અને સ્ટાફ તેમના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેઓ બેડ પર બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ઘટના અંગે ડા. મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, “ડા. હર્ષ ચૌધરીને ફરજ દરમિયાન તાવ આવ્યો હતો. ત્યારબાદ તેઓ આરામ માટે ઘરે ગયા હતા. પરંતુ બીજા દિવસે તેઓ ફરજ પર ન આવતા તપાસ કરવામાં આવી હતી.”
તેમણે વધુમાં જણાવ્યું કે, ડાક્ટરના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ ઘટનાથી નર્મદા સિવિલ હોસ્પિટલના તબીબી સ્ટાફમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.






































