માનવ જીવનમાં સ્વભાવનું વિશેષ મહત્વ છે. માણસની ઓળખ માત્ર તેના ચહેરા કે શબ્દોથી થતી નથી, પરંતુ તેના સ્વભાવ, વિચારો અને વર્તન પરથી થતી હોય છે. જીવનમાં કેટલાક લોકો એવા હોય છે કે જેઓ દરેક કાર્યમાં ઉતાવળ કરે છે, તરત પરિણામ મેળવવાની ઇચ્છા રાખે છે અને નાની વાતમાં પણ ગુસ્સે થઈ જાય છે. બીજી તરફ કેટલાક લોકો ધીરજ, શાંતિ અને ગંભીરતાથી પરિસ્થિતિને સમજીને આગળ વધે છે. આ બંને પ્રકારના માણસોના જીવનમાં, સંબંધોમાં અને સફળતામાં મોટો તફાવત જોવા મળે છે.
અધિરો અને ઉતાવળો માણસ કોણ?અધિરો માણસ એ છે જે દરેક બાબતમાં તરત પરિણામ ઇચ્છે છે. તેને રાહ જોવી ગમતી નથી. તે ઘણીવાર વિચાર્યા વગર બોલી દે છે અથવા નિર્ણય લઈ લે છે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો પછી પસ્તાવો કરવો પડે છે. આવા લોકો નાની મુશ્કેલીમાં પણ ગભરાઈ જાય છે અને ભાવનાઓ પર નિયંત્રણ ગુમાવી દે છે.કોઈના પ્રસંગોમાંથી કાઈ કામ ના હોય છતાં જલ્દી નીકળી જાય છે.પોતાની સાથે બીજાને પણ ખોટી ઉતાવળ કરાવે છે. રસ્તાની ટ્રાફિકમાં, દુકાને ખરીદીમાં,ઓફિસે કોઈ કામ માટે, મંદિરે,દવાખાને, બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન જેવા પબ્લિક પ્લેસ પર ધકામુકી ,રાડા રાડ, ખોટી માથાકૂટ કરે છે. ક્યાંય નાની મોટી અગવડતા સહન કરી શકતો નથી.ઉદાહરણ તરીકે, કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં થોડા ઓછા ગુણ આવે તો અધિરો વિદ્યાર્થી તરત નિરાશ થઈ જાય, ગુસ્સે થાય અથવા પોતાને નિષ્ફળ માને. જ્યારે ધીરજવાળો વિદ્યાર્થી પોતાની ભૂલ શોધીને આગળ વધુ મહેનત કરે.
ધીર-ગંભીર માણસ કોણ?
ધીર-ગંભીર માણસ એ છે જે મુશ્કેલ સમયમાં પણ શાંતિ જાળવે છે. તે દરેક બાબતમાં સમજદારીપૂર્વક વિચાર કરે છે. તે બોલતા પહેલાં વિચારે છે, સાંભળ્યા વગર જવાબ આપતો નથી અને ઉતાવળે કોઈ નિર્ણય લેતો નથી.આવા લોકો પાસે આત્મવિશ્વાસ, સહનશક્તિ અને પરિપક્વતા હોય છે. તેઓ સમસ્યાને મુશ્કેલી નહીં, પણ શીખવાનો અવસર માને છે.
બંને વચ્ચેનો વિગતવાર તફાવત જોઈએ :
૧. વિચારશક્તિમાં તફાવત
અધિરો માણસ ક્ષણિક ભાવનાઓના આધારે નિર્ણય લે છે.તે “હવે અને અત્યારે”માં જીવે છે અને લાંબા ગાળાના પરિણામો વિશે ઓછું વિચારે છે.જ્યારે ધીર-ગંભીર માણસ કોઈપણ નિર્ણય લેતા પહેલાં તમામ પરિસ્થિતિઓનો વિચાર કરે છે.તે પરિણામોનું મૂલ્યાંકન કરે છે અને પછી જ પગલું ભરે છે.“વિચાર વિના કરેલું કામ ઘણીવાર નુકસાન કરાવે છે.”
૨. બોલવામાં અને વર્તનમાં તફાવત
ઉતાવળો માણસ ઝડપથી ગુસ્સે થઈ જાય છે.ક્યારેક બીજાની વાત પૂરી સાંભળ્યા વગર જ પ્રતિભાવ આપી દે છે.કોઈ બે વ્યક્તિની વાતચીતની વચ્ચે જાણ્યા જોયા વગર પોતાની વાત શરૂ કરી દે છે.બીજાની વાત પૂરી થવા સુધી ધીરજ ધરી શકતો નથી.બીજાની વાત તરતજ કાપી નાખે છે અને પોતાની વાત સંભળાવવા અધીરો થઈ જાય છે.તેના શબ્દોમાં કઠોરતા આવી જાય છે.કોઈની અંગત બાબતો જાણવામાં અને જાણ્યા પછી બીજાને કહેવામાં ખૂબ ઉતાવળ કરે છે. જ્યારે ધીર-ગંભીર માણસ શાંતિથી વાત કરે છે.તે પહેલા સાંભળે છે, સમજે છે અને પછી જવાબ આપે છે.કોઈની અંગત બાબતો કે કામકાજ વિશે બિન જરૂરી પૂછ પરછ કરતો નથી અથવા તો નિરાંતે શાંતિથી ઉપયોગી થવાના હેતુથી પૂછે છે.એટલા માટે લોકો તેના શબ્દોને મહત્વ આપે છે.
૩. મુશ્કેલી સામેનો અભિગમ
અધિરો માણસ મુશ્કેલી આવે ત્યારે હાંફળો ફાફળો થઈ જાય છે.બીજા ઉપર ગુસ્સો કરે છે ,બીજાનો દોષ કાઢે છે,પોતાની ભૂલ સ્વીકારતો નથી અને તરત જ હરેરીને હાર માની લેતો હોય છે.
જ્યારે ધીરજવાળો માણસ મુશ્કેલીમાં પણ સ્થિર રહે છે.તે સમસ્યાનું મૂળ સમજે છે અને ધીમે ધીમે ઉકેલ શોધે છે. ઉદાહરણ તરીખે સમુદ્રમાં તોફાન આવે ત્યારે નબળી નૌકા ડગમગી જાય છે, પરંતુ મજબૂત નૌકા સંતુલન જાળવી રાખે છે. તેવી જ રીતે ધીર-ગંભીર માણસ જીવનના તોફાનોમાં પણ મક્કમ રહે છે.
૪. સંબંધોમાં તફાવત
અધિરાઈ સંબંધોમાં અંતર લાવે છે.ઉતાવળમાં બોલાયેલા શબ્દો સંબંધોને નુકસાન પહોંચાડે છે.વાત વાતમાં શંકા કુશંકા કરીને મનોમન ગલત અનુમાનો બાંધીને તરતજ ખુલાસાઓ માંગે છે.જેનાથી સંબંધોમાં તિરાડો પડે છે.
ધીરજ અને ગંભીરતા સંબંધોને મજબૂત બનાવે છે.સહનશીલ માણસ પરિવાર, મિત્રો અને સમાજમાં સૌનો પ્રિય બને છે.
૫. સફળતા અને નિષ્ફળતા
ઉતાવળો માણસ ઘણીવાર કામ અધૂરું છોડે છે.તેને તરત સફળતા ન મળે તો નિરાશ થઈ જાય છે.
જ્યારે ધીરજવાળો માણસ સતત પ્રયત્ન કરતો રહે છે.તે જાણે છે કે મોટી સફળતા માટે સમય અને મહેનત જરૂરી છે.“ધીરજ સફળતાની ચાવી છે.” જીવનમાં ધીરજ કેમ જરૂરી છે? ધીરજ માણસને પરિપક્વ બનાવે છે. તે વિચારવાની શક્તિ વધારે છે.ધીરજવાન વ્યક્તિ મુશ્કેલીમાં પણ સંતુલિત રહે છે.તે ગુસ્સાને બદલે સમજણને વધારે મહત્વ આપે છે. આજના ઝડપી યુગમાં લોકો તરત પરિણામ ઇચ્છે છે. પરંતુ કુદરતનો નિયમ છે કે દરેક વસ્તુ સમય લઈને જ વિકસે છે. બીજ વાવતાં જ વૃક્ષ નથી બનતું. બાળક જન્મતાં જ ચાલતું નથી. સૂર્ય પણ ધીમે ધીમે ઉગે છે. એટલે જીવનમાં પણ ધીરજ જરૂરી છે.
પ્રેરણાત્મક ઉદાહરણ : મહાત્મા ગાંધીએ અનેક મુશ્કેલીઓ છતાં શાંતિ અને ધીરજનો માર્ગ અપનાવ્યો. તેમની સહનશક્તિ અને ગંભીરતાના કારણે તેઓ વિશ્વમાં મહાન નેતા તરીકે ઓળખાયા. તે જ રીતે છ. ઁ. ત્ન. છહ્વઙ્ઘેઙ્મ દ્ભટ્ઠઙ્મટ્ઠદ્બ પણ ખૂબ જ ધીરજવાળા અને શાંત સ્વભાવના હતા. અનેક નિષ્ફળતાઓ છતાં તેમણે હિંમત ન હારી અને ભારતના “મિસાઈલ મેન” તરીકે પ્રસિધ્ધ બન્યા.સમાજ માટે કયો માણસ વધુ ઉપયોગી? સમાજને ધીરજવાળા, સમજદાર અને ગંભીર માણસોની વધુ જરૂર છે. કારણ કે આવા લોકો વિવાદ નહીં, પરંતુ ઉકેલ શોધે છે. તેઓ લોકો વચ્ચે પ્રેમ, શાંતિ અને વિશ્વાસ ઉભો કરે છે. ઉતાવળ ઘણીવાર તણાવ અને ગેરસમજ ઉભી કરે છે, જ્યારે ધીરજ વિશ્વાસ અને સંબંધોને મજબૂત બનાવે છે.
જીવનમાં ઝડપ સારી છે, પરંતુ ઉતાવળ નુકસાનકારક છે.અધિરાઈ માણસને ગભરાટ, ગુસ્સો અને પસ્તાવા તરફ લઈ જાય છે, જ્યારે ધીરજ અને ગંભીરતા માણસને સફળતા, શાંતિ અને સન્માન અપાવે છે. એટલે દરેક માણસે પોતાના જીવનમાં ધીરજ, સહનશક્તિ અને ગંભીરતા વિકસાવવી જોઈએ.








































