ધોરાજી મામલતદાર કચેરીની અણઘડ વહીવટી કામગીરીને કારણે અરજદારો અને વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ આક્ષેપ કર્યો છે કે, કચેરી દ્વારા સરકારી નિયમોને નેવે મૂકીને મનસ્વી રીતે કામ કરવામાં આવે છે. ખાસ કરીને એડમિશનની સીઝનમાં આવક, જાતિ અને નોન-ક્રિમિલિયર જેવા જરૂરી દાખલાઓ મેળવવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને ૮ થી ૧૦ દિવસ સુધી ધક્કા ખાવા પડે છે.ઉપલી કચેરીમાં રજૂઆત કરવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. દિનેશ વોરાએ મીડિયાને જણાવ્યું હતું કે, જો તંત્ર પોતાની કાર્યપધ્ધતિ સુધારી પ્રજાને પડતી મુશ્કેલીઓનો ત્વરિત નિકાલ નહીં લાવે, તો કોંગ્રેસ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન છેડવામાં આવશે. સરકારી યોજનાઓનો લાભ લેવા આવતી જનતા ‘બાબુશાહી’ને કારણે હેરાન થઈ રહી હોવાથી રોષ જોવા મળી રહ્યો છે.










































