ગીર અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શનની પ્રવૃત્તિઓ સામે વન વિભાગે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. જસાધાર રેન્જ દ્વારા હાથ ધરાયેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ગીરગઢડાના રસુલપરા નજીક પ્રતિબંધિત જંગલ વિસ્તારમાંથી સિંહ દર્શન કરતા રાજકોટના બે શખસોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. વન વિભાગે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી બંને શખસો પાસેથી રૂ. ૫૦,૦૦૦નો દંડ વસૂલ્યો હતો.
ઝડપાયેલા શખસોમાં કીર્તન વિનોદ બુહા અને જયદીપ ત્રીકમ સોજીત્રાનો સમાવેશ થાય છે. જસાધારના ઇર્હ્લં કુલદીપ ચૌહાણે જણાવ્યું હતું કે, સિંહ દર્શન જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવામાં આવશે. આ કામગીરીમાં વનપાલ જે.સી. બાંભણિયા અને વન રક્ષક જે.સી. ભાલિયાની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી સફળતા મેળવી હતી. હાલ જંગલ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ડ્રોન સર્વેલન્સ દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે.









































