જિલ્લામાં ‘ખાખી’નો ડર ઓસર્યો, અસામાજિક તત્વો બેફામ બન્યા

અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડી રહ્યા છે. જિલ્લામાં જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ એક પછી એક ગંભીર ગુનાઓ આચરવામાં આવી રહ્યા છે. માત્ર ૧પ દિવસમાં જ ૬ જેટલી હત્યાની ઘટનાઓ સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ આંકડાઓ જ પુરવાર કરે છે કે જિલ્લામાં ગુનેગારો કેટલા હદે બેફામ બન્યા છે અને સામાન્ય નાગરિકોની સુરક્ષા હવે રામભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને માત્ર ૧પ દિવસમાં ૬ હત્યાના બનાવોએ પોલીસ તંત્રની નિષ્ફળતાને ખુલ્લી પાડી દીધી છે. લોકોમાં હવે એવી ચર્ચા જાગી છે કે શું અમરેલીમાં ખાખીનો ડર સાવ ઓસરી ગયો છે? જિલ્લામાં નોંધાયેલી આ પાંચ હત્યાઓની વિગતો તપાસીએ તો તેમાં સામાજિક અને વ્યક્તિગત કારણો મુખ્ય જોવા મળે છે પરંતુ પોલીસના નબળા ગુપ્તચર તંત્ર અને કડક કાર્યવાહીના અભાવે આવી ઘટનાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે પ્રેમ પ્રકરણના કારણે એક યુવાનની હત્યા કરવામાં આવી તો વડીયાના બાવીસી બરવાળા ગામે ખડૂતની નિર્મમ હત્યા કરાઈ હતી જયારે રાજુલાના નિંગાળા-૧ અને ધારેશ્વર ગામે પણ પ્રેમ પ્રકરણના જ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ ઉપરાંત બગસરામાં ઘરકંકાશના લીધે હત્યાનો બનાવ બન્યો છે અને બાબરાના કરીયાણા ગામે પણ કરપીણ હત્યાની ઘટનાએ અરેરાટી ફેલાવી દીધી છે. જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે. જ્યારે ગૂનેગારો જાહેરમાં કાયદો હાથમાં લઈ રહ્યા હોય ત્યારે પોલીસ માત્ર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોતી હોય તેવો અહેસાસ જનતાને થઈ રહ્યો છે. લોકો હવે ખુલ્લેઆમ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે જો સમયસર નક્કર આયોજન અને કડક પેટ્રોલિંગ કરવામાં નહીં આવે તો અમરેલી જિલ્લો ગંભીર ગુનાખોરીનું હબ બની જશે. કાયદો અને વ્યવસ્થાને ફરી પાટા પર લાવવા માટે હવે માત્ર દેખાડા પૂરતી નહીં પણ પરિણામલક્ષી પોલીસ કામગીરીની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે.