સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત દ્વારા ૧૫૮માં ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ ભાલાળાએ જીવનની લંબાઈ કરતાં તેની ઊંડાઈ અને સાર્થકતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, પરોપકારી અને અર્થપૂર્ણ જીવન જ સાચું જીવતર છે. મુખ્ય વક્તા ડો. ભાગ્યેશ જહાએ ‘જીવનની સાર્થકતા’ વિષય પર માર્ગદર્શન આપતા સમજાવ્યું હતું કે મુશ્કેલ સમયમાં પણ હસતા રહેવું, સાંભળવાની કળા કેળવવી અને સ્થિતપ્રજ્ઞ બનવું અનિવાર્ય છે. પૂર્વ કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલે પોતાની સફળતાનો શ્રેય આદર્શ વ્યક્તિને આપવાને ખરી સાર્થકતા ગણાવી હતી. આ અવસરે કલા તીર્થ ટ્રસ્ટ દ્વારા પુસ્તકાલયને ભારતીય સંસ્કૃતિના ૭૧ અમૂલ્ય ગ્રંથો ભેટ અપાયા હતા અને રમણીકભાઈ ઝાપડિયાનું સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંકલન હાર્દિકભાઈ ચાંચડ અને અંકિતભાઈ સુરાણીએ સંભાળ્યું હતું, જ્યારે અંકિતાબેન ભુવાએ ગત સપ્તાહના વિચારોની પ્રસ્તુતિ કરી હતી. આ કાર્યક્રમે ઉપસ્થિત શ્રોતાઓમાં જીવન પ્રત્યે નવો દ્રષ્ટિકોણ જગાડ્‌યો હતો.