મુંબઈના બાંદ્રા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. રસ્તાની બાજુમાં પેશાબ કરતા રોકવામાં આવ્યા બાદ ૭૮ વર્ષીય મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ખેરાવાડી પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી. ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ થાણેના રહેવાસી ૪૪ વર્ષીય ભાનુદાસ કાંબલે તરીકે થઈ છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. મૃતક મહિલાની ઓળખ સૌભાગ્યમ્મા કાઠીમુનાર તરીકે થઈ છે, જે ધારાવીના શાહુ નગર વિસ્તારની રહેવાસી છે. શાહુ નગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પહેલાથી જ નોંધાઈ ચૂકી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સવારે ૭ વાગ્યે, સ્થાનિકોએ બાંદ્રામાં આરએનએ બિલ્ડીંગ પાસે ફૂટપાથ પર એક વૃદ્ધ મહિલા બેભાન હાલતમાં પડેલી હોવાની જાણ કરી હતી. માહિતી મળતાં, ખેરવાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. શરૂઆતમાં, આ કેસને આકસ્મિક મૃત્યુ ગણાવવામાં આવ્યો હતો, અને એડીઆર દાખલ કરવામાં આવ્યો હતો, અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જ્યારે મહિલાના માથા અને કપાળ પર ભારે વસ્તુથી હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું ત્યારે આ કેસમાં ગંભીર વળાંક આવ્યો. તેના આધારે, પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો કેસ નોંધ્યો અને તપાસ તેજ કરી. પ્રારંભિક તપાસ દરમિયાન મહિલાની ઓળખ અસ્પષ્ટ રહી, તેથી પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ કરી. તપાસ દરમિયાન, ઘટનાસ્થળની નજીક એક શંકાસ્પદ પુરુષ પેશાબ કરતો જાવા મળ્યો. ટેકનિકલ વિશ્લેષણ અને દેખરેખના આધારે, પોલીસે શંકાસ્પદ વ્યક્તિને શોધી કાઢ્યો, તેની અટકાયત કરી અને પૂછપરછ કરી.

પૂછપરછ દરમિયાન ભાનુદાસ કાંબલેએ ખુલાસો કર્યો કે તે ઇલેક્ટ્રીશિયન છે અને કામ પરથી પાછા ફરતી વખતે રસ્તાની બાજુમાં પેશાબ કરી રહ્યો હતો. જ્યારે ફૂટપાથ પર સૂતી એક મહિલાએ તેને રોક્યો, ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને નજીકની ઇંટથી તેના માથા પર માર્યો અને બાદમાં તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી.