રાજુલા તાલુકાના નીંગાળા-૧ ગામ પાસે નેશનલ હાઈવે પર ફિલ્મી ઢબે અપહરણ અને હત્યાની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. પ્રેમસંબંધનો ખાર રાખીને સાતથી આઠ શખ્સોએ એક યુવકનું અપહરણ કર્યું હતું અને તેની માતાને આંતરીને તેમના પર કાર ચડાવી દઈ નિર્મમ હત્યા નિપજાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. બનાવ અંગે ભાવેશભાઇ ભગવાનભાઇ ભીલ (ઉં.વ.૨૫)એ યોગેશ બાબુભાઇ મકવાણા, રહે.રાજકોટ,રોહિત બટુકભાઇ મકવાણા, રહે.મહુવા, મહેશ ભાયાભાઇ સોલંકી, રહે.માઢીયા, જ્યોતિબેન યોગેશભાઇ મકવાણા, રહે.રાજકોટ, કાજલબેન બટુકભાઇ મકવાણા, જાનુબેન બટુકભાઇ મકવાણા, હિતેશ બટુકભાઇ મકવાણા, બટુકભાઇ ડાયાભાઇ મકવાણા તથા હિતેશના કાકા કમલેશભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમને તેની પત્નીની માસીની દીકરી કૈલાસ સાથે પ્રેમસંબંધ હતો. આ સંબંધ યુવતીના પરિવારજનોને મંજૂર નહોતો. ગત રોજ કૈલાસ તેના ઘરેથી નીકળી રાજુલા આવવા રવાના થઈ હતી, ત્યારે તેઓ અને તેની માતા જીતુબેન તેને મળવા માટે નીંગાળા-૧ પાસેના બાલકૃષ્ણ પેટ્રોલ પંપ પાસે ઊભા હતા. તે સમયે અર્ટિગા કારમાં સવાર થઈને આવેલા આરોપીઓ તેમની અને તેની માતા પર
હુમલો કર્યો હતો. આરોપીઓએ તેમને બળજબરીથી કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેની માતા જીતુબેન બચાવવા વચ્ચે પડતા, આરોપીઓએ તેમને રોડ પર પછાડી દીધા હતા. કાર ચાલક યોગેશ મકવાણાએ તેની માતા પર કાર ચડાવી દઈ ક્રૂરતાપૂર્વક તેમની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આરોપીઓ તેનું અપહરણ કરી તેને ખરેડ ગામના ખારા વિસ્તારમાં લઈ ગયા હતા. જ્યાં તેને લોખંડના સળિયા અને પટ્ટા વડે આડેધડ માર માર્યો હતો. ઉપરાંત ધમકી આપી હતી કે, જો કૈલાસ અમને નહીં મળે તો તને મારીને તળાવમાં ફેંકી દઈશું. ત્યારબાદ તેને મહુવા લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરીથી તેને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. યોગેશ મકવાણા, રોહિત મકવાણા, હિતેશ મકવાણા, મહેશ સોલંકી, જયોતિ મકવાણા, જાનુ મકવાણા અને કાજલ મકવાણાની મરીન પીપાવાવ પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે.