જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર વન્યપ્રાણીઓના વધતા આતંકની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસ્તવમાં જુનાગઢના આણંદપુર ગામે રાત્રિના સમયે માતા-પિતા પાસે સૂઈ રહેલા માત્ર ચાર વર્ષના માસૂમ બાળક પર દીપડાએ જીવલેણ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
પ્રાથમિક વિગતો મુજબ ખેત મજૂરી કરીને જીવન ગુજારતો પરિવાર રાત્રિના સમયે ખેતરમાં આરામ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક દીપડો ત્યાં આવી ચડ્યો અને માતા-પિતા પાસે સૂતા બાળક પર હુમલો કર્યો. હુમલો એટલો ભયાનક હતો કે, બાળકના માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરિવારજનોના ચીસા અને હોબાળા બાદ દીપડો ત્યાંથી ભાગી ગયો હતો.
ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં ગામલોકોમાં ભય ફેલાઈ ગયો છે. ખાસ કરીને રાત્રિના સમયે ખેતરો અને ગામની આસપાસ દીપડાની અવરજવર વધતા લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના હુમલાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. પશુઓ બાદ હવે નાના બાળકો પણ નિશાન બનતા લોકોમાં રોષ જાવા મળી રહ્યો છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે માંગ કરી છે કે, માનવ પર હુમલો કરનાર દીપડાને તાત્કાલિક પાંજરે પકડવામાં આવે અને વિસ્તારમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવે.