રાજકોટ જિલ્લાના સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગોંડલ તાલુકા ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ અસ્ફાક મેમણ ઉર્ફે અસ્ફાક સલાટ અને કાળું સલાટ સામે વ્યાજખોરી, ધમકી અને છેતરપિંડી સંબંધિત ગુનો નોંધી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસ દરમિયાન આરોપીઓના કબજામાંથી કુલ ૩૭૫ કોરા ચેક મળી આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ ચેક ૧૩૬ અલગ અલગ લોકોના હતા. ત્યારબાદ પોલીસે તમામ ભોગ બનનારાઓનો સંપર્ક કરી ચેક પરત અપાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર એ જણાવ્યું હતું કે ફરિયાદી જીતેશભાઈ સતાણી દ્વારા પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી કે તેમણે અસ્ફાક સલાટ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. ફરિયાદી મુજબ તેઓએ ૭૦ હજાર રૂપિયા પરત ચૂકવી દીધા હોવા છતાં આરોપી દ્વારા સતત વધુ રૂપિયા માંગવામાં આવતા હતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી.
આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ ગામડાંઓ અને આસપાસના વિસ્તારોના લોકોને ત્રણથી દસ ટકા જેટલા ઊંચા વ્યાજે રૂપિયા આપતા હતા. બદલામાં લોકો પાસેથી કોરા ચેક લેવામાં આવતા અને બાદમાં રૂપિયા પરત ચૂકવ્યા છતાં ચેક પરત કરવામાં આવતા નહોતા.
પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં અંદાજે બે કરોડ રૂપિયા જેટલી રકમ વ્યાજે આપવાનો વ્યવહાર સામે આવ્યો છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ ઉપરાંત તપાસ દરમિયાન વાસાવડ ગામ ખાતે આશરે છ વીઘા સરકારી જમીન પર દબાણ કરી ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હોવાનો પણ ખુલાસો થયો છે. આ મામલે જિલ્લા કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી માટે મંજૂરી માગવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ અલગ ગુનો નોંધવામાં આવશે. પોલીસ રેકોર્ડ મુજબ અસ્ફાક સલાટ વિરુદ્ધ અગાઉ પણ ત્રણ જેટલી પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી હોવાનું સામે આવ્યું છે.









































