રાજ્યની તિજોરી એપ્રિલ મહિનામાં છલકાઈ ઊઠી છે અને આવકના આંકડાઓએ નવા રેકોર્ડ બનાવી દીધા છે. એપ્રિલ ૨૦૨૬ દરમિયાન રાજ્યને જીએસટી હેઠળ રૂપિયા ૯,૯૧૬ કરોડની આવક થઈ છે, જે જીએસટીના અમલ બાદ અત્યાર સુધીની સૌથી ઊંચી માસિક આવક માનવામાં આવી રહી છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે જીએસટી આવકમાં નોંધપાત્ર ૪૪ ટકાનો વધારો થયો છે. જે રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓમાં તેજી દર્શાવે છે.
જીએસટી સિવાય અન્ય કર આવકમાં પણ વધારો નોંધાયો છે. વેટ હેઠળ રાજ્યને રૂપિયા ૨૭૧૧ કરોડની આવક થઈ છે. જ્યારે વિદ્યુત શુલ્કમાંથી રૂપિયા ૧૦૫૫ કરોડ મળ્યા છે. વ્યવસાય વેરા હેઠળ પણ રાજ્યને રૂપિયા ૨૧ કરોડની આવક પ્રાપ્ત થઈ છે. આ તમામ આવકોને મળીને રાજ્યને કુલ રૂપિયા ૧૩૭૦૩ કરોડની આવક થઈ છે. જે રાજ્યની નાણાકીય સ્થિતિ મજબૂત બનતી હોવાનું સૂચવે છે.
આવકમાં થયેલો આ વધારો રાજ્યમાં વધી રહેલી વેપાર-ઉદ્યોગની પ્રવૃત્તિઓ અને કર વસૂલાતની અસરકારક વ્યવસ્થાને કારણે શક્ય બન્યો છે. નિષ્ણાતોના મતે, આ આંકડા દર્શાવે છે કે રાજ્યની અર્થવ્યવસ્થા મજબૂત દિશામાં આગળ વધી રહી છે. સાથે જ સરકાર દ્વારા કરચોરી અટકાવવા અને પારદર્શક વ્યવસ્થા અમલમાં મૂકવાના પ્રયાસો પણ સફળ સાબિત થઈ રહ્યા છે. આવકના આ સકારાત્મક આંકડાઓને કારણે રાજ્ય સરકારને વિકાસ કામોમાં વધુ ગતિ આપવા મદદ મળશે તેવી આશા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં વધુ રોકાણ શક્ય બનશે. આ રીતે રાજ્યની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને વિકાસના નવા દરવાજા ખુલશે.










































