તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે આજે મત ગણતરી થઈ હતી જેમાં સુપરસ્ટાર થલાપતિ વિજયની નવી પાર્ટી,ટીવીકેએ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. આ નવી પાર્ટીએ સ્થાપિત ડીએમકે અને એઆઇડીએમકેને પણ પાછળ છોડી દીધી છે. મળતી માહિતી અનુસાક ટીવીકેએ ૧૦૭ બેઠકો પર લીડ મેળવી છે જ્યારે એઆઇડીએમકે + ૬૯ બેઠકો પર લીડ મળેવી છે, અને ડીએમકે+ ૫૮ બેઠકો પર લીડ મેળવી છે. તમિલનાડુમાં ૨૩૪ બેઠકો માટે વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. તમિલનાડુમાં ૨૩ એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થયું હતું. આમ સૌથી મોટી પાર્ટી તરીકે ટીવીકે બહાર આવી છે તમિલનાડુમાં ટીવીકેએ પ્રથમવાર જ ચુંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું
ટીવીકે (તમિલાગા વેત્રી કઝગમ) પાર્ટીની સ્થાપના ૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ થઈ હતી. તેના સ્થાપક પ્રખ્યાત દક્ષિણ ભારતીય અભિનેતા થલાપતિ વિજય છે. વિજયે માત્ર એક રાજકીય પક્ષ જ નહીં પરંતુ એક રાજકીય ચળવળની સ્થાપના કરી હતી, જેનો હેતુ તમિલનાડુના તમામ વર્ગોના કલ્યાણ માટે કામ કરવાનો અને તેના લોકોની સામૂહિક પ્રગતિ અને સુખાકારી માટે સમર્પિત બળ બનવાનો છે.ટીવીકેએ ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીથી અંતર જાળવી રાખ્યું છે અને કોઈપણ રાજકીય પક્ષને સમર્થન આપ્યું નથી.
ટીવીકે અને અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની આજે રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે. તેમણે ખરેખર રાજકીય જગત સમક્ષ સાબિત કરી દીધું છે કે એક નવી પાર્ટી પણ જનતાનો વિશ્વાસ મેળવી શકે છે અને ચૂંટણીમાં મોટી જીત મેળવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે થલાપતિ વિજય તમિલનાડુની ચૂંટણીના વાસ્તવિક હીરો છે.
થલાપતિ વિજયને મતદારોએ સાથ આપતા સ્પષ્ટ થઈ ગયું છે કે જનતાએ તેમને “લોકોના નેતા” તરીકે સ્વીકાર્યા છે. પરંતુ શું તમે જાણો છો કે વિજયે સત્તાના આ શિખર સુધી પહોંચવા માટે કયો કાંટાળો રસ્તો પાર કર્યો છે? પડદા પર અજેય દેખાતા વિજય વાસ્તવિક જીવનમાં એકસાથે અનેક મોરચે લડી રહ્યા છે, ક્યારેક સરકારી તપાસ એજન્સીઓના દબાણનો સામનો કરી રહ્યા છે તો ક્યારેક તૂટેલા સંબંધોની પીડાનો સામનો કરી રહ્યા છે. આ ભવ્ય વિજય પાછળ અનેક વિવાદો છે જેણે સમયાંતરે તેમની વિશ્વસનીયતાને પડકારી છે.
વિજયની છેલ્લી ફિલ્મ “જાના નાયકન” ને લગતો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સેન્સર બોર્ડે તેના રાજકીય સંવાદો અને ચોક્કસ દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો. વિપક્ષે આરોપ લગાવ્યો કે વિજય ફક્ત તેમના રાજકીય પ્રચાર માટે ફિલ્મનો ઉપયોગ કરી રહ્યા હતા. ફિલ્મની રજૂઆત તારીખને કારણે ફિલ્મ ઉદ્યોગ અને વિતરકો સાથે લાંબી કાનૂની લડાઈ પણ થઈ, જેના કારણે વિજયના કરોડો રૂપિયા દાવ પર લાગી ગયા.
વિજયના માર્ગમાં સૌથી મોટો અવરોધ ત્યારે આવ્યો જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને આવકવેરા વિભાગે તેમના પર પકડ મજબૂત કરી. ૨૦૨૦ માં તેમની ફિલ્મ “બિગિલ” ની સફળતા બાદ, તેમના પરિસર પર દરોડા પાડ્યા. તેમના પર કરચોરી અને વિદેશી ભંડોળના ગંભીર આરોપોનો સામનો કરવો પડ્યો. જાકે વિજય હંમેશા આ તપાસ રાજકીય રીતે પ્રેરિત હોવાનો ઇનકાર કરતો હતો, આ કાનૂની ગૂંચવણોએ વારંવાર તેમની કારકિર્દીને અવરોધી હતી. ચૂંટણી પહેલા આ મુદ્દો વધુને વધુ ગરમાયો.
વિજયની લોકપ્રિયતા પણ તેમના માટે મુશ્કેલીનું કારણ બની. તેમની એક મોટી રાજકીય રેલી દરમિયાન, ભીડ ક્ષમતા કરતાં વધુ હતી, જેના કારણે ભાગદોડ મચી ગઈ. ઘણા સમર્થકો ઘાયલ થયા અને કેટલાકના મૃત્યુ પણ થયા. આ ઘટના બાદ, વિપક્ષી પક્ષોએ વિજયની સંગઠનાત્મક ક્ષમતાઓ પર પ્રશ્ન ઉઠાવ્યો અને તેમના પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવીને તેમની સામે કેસ દાખલ કરવાની માંગ કરી.
વિજયનું અંગત જીવન ચર્ચામાં આવ્યું જ્યારે તેમની પત્ની સંગીતા સોરલિંગમથી અલગ થવાના અહેવાલો સામે આવ્યા. બંને લાંબા સમયથી જાહેરમાં સાથે જાવા મળ્યા ન હતા. અહેવાલો સૂચવે છે કે છૂટાછેડા માટે કાનૂની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. વિજયની મહત્વપૂર્ણ રેલીઓ અને ફિલ્મ લોન્ચમાં સંગીતાની ગેરહાજરીથી આ અફવાઓને વધુ વેગ મળ્યો, એક આદર્શ પરિવારના માણસ તરીકે વિજયની છબી ખરાબ થઈ.
વિજયના તેના સહ-અભિનેત્રી ત્રિશા કૃષ્ણન સાથેના સંબંધો પણ વિવાદનો વિષય બન્યા. ફિલ્મ “લિયો” પછી તેમની વધતી જતી નિકટતાની અફવાઓ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ તેમના કૌટુંબિક ઝઘડાનું મુખ્ય કારણ હતું. જાકે બંને સ્ટાર્સે આ અહેવાલો વિશે ક્્યારેય ખુલ્લેઆમ વાત કરી ન હતી, પરંતુ ટ્રોલ્સ અને રાજકીય વિરોધીઓએ તેનો ઉપયોગ વિજયના પાત્ર પર હુમલો કરવા માટે કર્યો હતો. વિજયની સફરનું સૌથી કડવું સત્ય તેના માતાપિતા સાથેનો તેનો વિવાદ છે. વિજયે તેના પિતા, એસએ ચંદ્રશેખર સામે વિજયના નામે કોઈપણ રાજકીય પક્ષ કે સંગઠન ચલાવવાથી રોકવા માટે કેસ દાખલ કર્યો.










































