વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગામી ૧૦ અને ૧૧ મે દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.
વિગતો મુજબ વડાપ્રધાન ૧૦ મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારબાદ ૧૧ મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે. “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પ્રસંગને ધ્યાનમાં રાખીને યોજાનારી આ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
જાણકારી અનુસાર સવારે અંદાજે ૧૦ઃ૩૦ થી ૧૧ઃ૦૦ વાગ્યા દરમિયાન મોદી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. સોમનાથ પ્રવાસ દરમિયાન તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટનાના સભ્યો સાથે બેઠક અને ચર્ચા પણ કરી શકે છે. મંદિર વિકાસ, યાત્રાધામ સુવિધાઓ અને અન્ય મુદ્દાઓ અંગે ચર્ચા થવાની શક્્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન વડોદરા જવા રવાના થશે. રસ્તામાં તેઓ ધોલેરા એસઆઇઆરની મુલાકાત લઈ શકે છે. ધોલેરા પ્રોજેક્ટ દેશના સૌથી મહત્વપૂર્ણ સ્માર્ટ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટોમાંથી એક માનવામાં આવે છે, જેથી મોદી ત્યાં પ્રગતિની સમીક્ષા કરે તેવી શક્યતા છે. વડોદરામાં વડાપ્રધાન સરદારધામના નવા ભવનનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો હાજર રહે તેવી સંભાવના છે. સમગ્ર પ્રવાસ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોડી સાંજે દિલ્હી પરત ફરશે.









































