કચ્છના દરિયાકાંઠેથી ફરી એકવાર બિનવારસી માદક પદાર્થો મળી આવ્યા છે.વાસ્તવમાં અરબ સાગરના કિનારે છેલ્લા કેટલાક દિવસોથી શંકાસ્પદ પેકેટો મળી આવતા સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે. આ તરફ તાજેતરમાં જ કુંડીબેટ નજીક બીએસએફની પેટ્રોલિંગ ટીમને વધુ ૧૦ બિનવારસી પેકેટ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાથમિક વિગતો મુજબ બુધવારે મોડી સાંજે બીએસએફ દ્વારા દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન કુંડીબેટ વિસ્તાર પાસે દરિયાકિનારે તરતા હાલતમાં ૧૦ શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ પેકેટોમાં નશીલા પદાર્થો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓએ તપાસ વધુ તેજ કરી છે. નોંધનીય છે કે, ગત ચાર દિવસ દરમિયાન મોટા પીર, સુગર બેટ અને કુંડીબેટ જેવા વિસ્તારોમાંથી સતત આવા પેકેટો મળી રહ્યા છે. દરેક જગ્યાએ લગભગ સમાન સંખ્યામાં પેકેટો મળી આવતા તપાસ એજન્સીઓએ દાણચોરીના મોટા નેટવર્કની સંભાવના વ્યક્ત કરી છે.
જાણકારોના મતે, સામાન્ય રીતે એક બોરીમાં ૧૦ પેકેટ ભરાયેલા હોય છે, જેના આધારે માનવામાં આવી રહ્યું છે કે દાણચોરોએ ચરસથી ભરેલી બોરીઓ દરિયામાં ફેંકી દીધી હોઈ શકે છે. દરિયો તોફાની બનતા અને દરિયાઈ પવન કાંઠા તરફ ફૂંકાતા આ પેકેટો સતત કિનારે આવી રહ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અને અન્ય સુરક્ષા દળોએ દરિયાકાંઠે પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન વધુ સઘન બનાવ્યા છે.










































