અમરેલીમાં શેરીમાં બાળકોના ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. ક્રિકેટ રમવાની ના પાડવા બાબતે થયેલી બોલાચાલીમાં આરોપીએ પિતા અને પુત્ર બંને પર જીવલેણ હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે સિરાજભાઇ મન્સુરીભાઇ ભારમલ (ઉ.વ.૪૬)એ અજગરભાઇ કુરબાનભાઇ કપાસી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમનો દીકરો શેરીમાં અન્ય બાળકો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. તે દરમિયાન ત્યાં આવેલા આરોપીએ બાળકોને ક્રિકેટ રમવાની ના પાડી બોલાચાલી શરૂ કરી હતી. ઉશ્કેરાયેલા આરોપીએ તેમના દીકરાને બેટ વડે માથાના તથા વાંસાના ભાગે ફટકા મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે તેઓ પોતાના દીકરાને પડેલા માર બાબતે આરોપીના ઘરે ઠપકો આપવા ગયા, ત્યારે મામલો વધુ બિચક્યો હતો. આરોપીને આ ઠપકો ગમ્યો નહોતો અને તેણે ફરિયાદીને ગંદી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ આરોપીએ પાવડાના હાથા વડે તેના ડાબા પગમાં તથા સાથળના ભાગે આડેધડ ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.









































