બુધવારે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. વૈશ્વીક સંકેતોના કારણે બજારમાં જોરદાર વાપસી થઈ, જેનાથી રોકાણકારોના ખિસ્સા ભરાયા. અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત શાંતિ કરારના સમાચારથી બજારમાં સકારાત્મક ભાવના ફેલાઈ ગઈ, જેના કારણે સેન્સેક્સ લગભગ ૧,૦૦૦ પોઈન્ટ ઉછળ્યો અને નિફ્ટી ૨૪,૩૦૦ ને પાર કરી ગયો.
ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ ૯૪૦ પોઈન્ટ વધીને ૭૭,૯૫૮ પર બંધ થયો. નિફ્ટી પણ ૨૯૮ પોઈન્ટ ઉછળીને ૨૪,૩૩૦ ની નજીક પહોંચ્યો. બજારમાં વ્યાપક ખરીદી જોવા મળી, જેમાં આશરે ૨,૭૫૫ શેરો વધ્યા જ્યારે ૧,૨૮૭ ઘટ્યા.
બજારમાં તેજીમાં બેંકિંગ શેરોનો નોંધપાત્ર ફાળો હતો. ખાનગી બેંક અને પીએસયુ બેંક સૂચકાંકો ૨-૩% વધ્યા. સરકાર દ્વારા વ્યવસાયો માટે ક્રેડિટ ગેરંટી યોજનાને મંજૂરી આપવામાં આવતા બેંકિંગ ક્ષેત્રને ટેકો મળ્યો. ઓટો, મેટલ, ફાર્મા અને રિયલ્ટી ક્ષેત્રોમાં પણ ૧-૨% વધારો થયો. જોકે, એફએમસીજી અને પાવર ક્ષેત્રોમાં થોડો ઘટાડો જાવા મળ્યો, જેના કારણે બજારનો ફાયદો મર્યાદિત રહ્યો.
ઇન્ટરગ્લોબ એવિએશન, ટ્રેન્ટ, ટાટા મોટર્સ, શ્રીરામ ફાઇનાન્સ અને એશિયન પેઇન્ટ્સ જેવા શેરોએ નિફ્ટીમાં સારો દેખાવ કર્યો. દરમિયાન,ઓએનજીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એનટીપીસી અને એલએન્ડટી જેવા શેરોમાં ઘટાડો થયો.
માત્ર લાર્જ-કેપ શેર જ નહીં, પરંતુ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ મજબૂત ખરીદી જોવા મળી. બંને સૂચકાંકોમાં લગભગ ૨%નો વધારો થયો, જે બજારમાં રોકાણકારોનો મજબૂત વિશ્વાસ દર્શાવે છે.
બજારમાં તેજી પાછળના અન્ય કારણો જોઇએ તો યુએસ-ઈરાન શાંતિની આશાઃ યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટોમાં પ્રગતિના સમાચારથી વૈશ્વીક બજારોમાં રાહત મળી.
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડોઃ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૭% સુધીનો ઘટાડો થયો, જેનાથી ભારત જેવા આયાત કરતા દેશોને રાહત મળી અને બજારને ટેકો મળ્યો.
બજારના નિષ્ણાતો માને છે કે જો યુએસ અને ઈરાન વચ્ચે સોદો થાય અને ક્રૂડ ઓઇલના ભાવ નિયંત્રણમાં રહે, તો આ બજારની તેજી ચાલુ રહી શકે છે. જો કે, વૈશ્વીક વિકાસ પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે.












































