ગુજરાત સરકારે કાયદો-વ્યવસ્થા અને કોમી શાંતિ જાળવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાસ્તવમાં ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ‘અશાંત ધારો’ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય ૧ મે ૨૦૨૬થી અમલમાં આવ્યો છે અને આગામી પાંચ વર્ષ સુધી લાગુ રહેશે.

સરકાર દ્વારા ઉનાના વોર્ડ નં. ૧, ૨ અને ૪ને અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં હવે મિલકતની ખરીદી કે વેચાણ માટે ખાસ નિયમો લાગુ પડશે. નવા નિયમો અનુસાર, કોઈપણ પ્રકારની મિલકત લેતી-દેતી કરવા પહેલાં પ્રાંત અધિકારીની મંજૂરી લેવી ફરજિયાત રહેશે.

ખાસ કરીને, ખરીદનાર અને વેચનાર બંનેએ એફિડેવિટ આપવો પડશે, જેમાં તેઓએ ખાતરી આપવી પડશે કે વ્યવહાર કોઈ દબાણ વિના અને યોગ્ય બજાર કિંમતે કરવામાં આવ્યો છે. આ પગલાંનો મુખ્ય હેતુ ગેરરીતિઓ અટકાવવો અને સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવી છે.

અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેના સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. નિયમોના ભંગ માટે ૬ મહિના થી ૫ વર્ષ સુધીની સજા તેમજ ૧ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ મુદ્દે ઉના નગરપાલિકાના ચીફ ઓફિસર જે જે ચૌહાણએ જણાવ્યું હતું કે આ નિર્ણય સંપૂર્ણપણે કોમી સુમેળ જાળવવા અને કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યો છે.